<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

કાંતિલાલ અને ગોપાલના વિવાદ પર અલ્પેશ કથિરિયાએ કહ્યું - પ્રજાના કામો પર ધ્યાન આપો : આ મુદ્દાને અહીં જ પૂરો કરીએ

ધારાસભ્ય લેવલના વ્યક્તિઓ દ્વારા રાજીનામું આપવાની અને ફરી ચૂંટણી લડવાની ચેલેન્જો લોકશાહી પ્રક્રિયાની મજાક સમાન છે. તેમણે કહ્યું કે- લોકશાહીની જે પ્રક્રિયા છે એનાથી તમે બન્યા છો તે નિભાવવી જોઈએ નહી કે આવી મજા લેવી જોઈએ.

મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા વચ્ચે ચાલી રહેલી રાજકીય "ચેલેન્જ"ના મામલે સુરતના પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. કથીરિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે બંને ધારાસભ્યોએ પોતાના વિસ્તારની પ્રજાના કામો પર ધ્યાન આપવું જોઈએ અને આ મુદ્દાને અહીં જ પૂરો કરવો જોઈએ.

અલ્પેશ કથીરિયાએ કહ્યું કે- આજે કહી શકાય કે એકબીજાને ચેલેન્જિંગ પોલિટિક્સ ચાલી રહ્યું છે. કાલે કાંતિભાઈએ કહ્યું કે રાજીનામું આપે અને અહીં આવીને જીતીને બતાવે, અને તે ચેલેન્જ ગોપાલભાઈએ સ્વીકારી છે. જોકે, કથીરિયાએ ભારપૂર્વક જણાવ્યું કે- બંને અલગ અલગ પાર્ટીના અલગ અલગ વિસ્તારના ધારાસભ્ય છે. લોકોએ બંનેને મત આપીને વિજયી બનાવ્યા છે એટલે પહેલી ફરજ છે કે તેના વિસ્તારના લોકોના કામ થવા જોઈએ. તેની ફરજ બંનેએ નિભાવવી જોઈએ એવી મારી અંગત વિનંતી પણ છે. તેમણે વધુમાં કહ્યું કે- પક્ષ કરતાં પણ બંને વ્યક્તિઓએ પોતપોતાના મુદ્દાઓ સાથે ચાલી રહેલા આ પ્રકરણમાં રાજીનામાં કરતા પણ જે સમય બાકી રહ્યો છે, તેને પ્રજાના કામ માટે કઈ રીતે વાપરી શકાય તેમાં ધ્યાન આપવું જોઈએ.

કથીરિયાએ વધુમાં જણાવ્યું કે- આ જે સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાને ચેલેન્જ આપવાની આખી પ્રોસેસ બની છે, તો એ બાબતથી મને એવું લાગે છે કે બંનેએ ધારાસભ્ય પદ ગ્રહણ કર્યું છે અને તેમાં પણ કાંતિભાઈ અમૃતિયા તો ઘણા વર્ષોથી ધારાસભ્ય છે અને ગોપાલભાઈ અત્યારે નવનિયુક્ત થયા છે ત્યારે બંને શિસ્તતા જાળવવી જોઈએ અને ગુજરાતી તરીકે જ્યારે તમને લોકોએ સ્વીકાર્યા છે, ગુજરાતના એક ધારાસભ્ય તમે બન્યા છો, ધારાસભ્ય તરીકેની ફરજ નિભાવવી જોઈએ. સોશિયલ મીડિયામાં જે પણ કંઈ એકબીજા સામે બોલ્યા છે એ બાબતોને છોડીને આગળ વધવું જોઈએ.

અલ્પેશ કથીરિયાએ એ પણ ટાંક્યું કે સોશિયલ મીડિયાના માધ્યમથી જે આ આખો મુદ્દો હાઈલાઈટ થયો છે, ઘણા લોકો આની મજા લઈ રહ્યા છે. ધારાસભ્ય લેવલના વ્યક્તિઓ દ્વારા રાજીનામું આપવાની અને ફરી ચૂંટણી લડવાની ચેલેન્જો લોકશાહી પ્રક્રિયાની મજાક સમાન છે. તેમણે કહ્યું કે- લોકશાહીની જે પ્રક્રિયા છે એનાથી તમે બન્યા છો તે નિભાવવી જોઈએ નહી કે આવી મજા લેવી જોઈએ.

તેમણે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો કે પ્રજાએ પાંચ વર્ષ આપ્યા છે અને તે પૂર્ણ કરી પ્રજાના કામ થવા જોઈએ. કથીરિયાએ જણાવ્યું કે જો આ બાબતે ખોડલધામ સમક્ષ કોઈ મુદ્દો આવશે કે કોઈ વાત લઈને આવશે તો નરેશભાઈ અને ખોડલધામ ટ્રસ્ટ સમાધાન થાય તે માટે કાર્યરત રહેશે. અંતે, કથીરિયાએ પોતાની પ્રતિક્રિયા દોહરાવી કે બંને ધારાસભ્યોએ પોતાના કાર્ય પ્રત્યે અને પોતાના વિસ્તાર પ્રત્યેની ફરજો નિભાવી આ મુદ્દાને અહીં પૂર્ણ કરવો જોઈએ.

 


 

(11:43 PM IST)