<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

વડોદરા : કુખ્યાત સિકલીગર ગેંગના બે રીઢા સાગરિતો ઝડપાયા: અનેક ચેઈન સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલાયો

આરોપીઓ વાહન પર નંબર પ્લેટ પણ લગાવતા નહોતા જેથી ઓળખ ન થઇ શકે. પોલીસ તપાસમાં બંનેએ છ ગુનાઓમાં સામેલ હોવાનું કબૂલી લીધું

વડોદરા શહેરમાં છેલ્લા એક સવા મહિનાથી અછોડા અને મંગળસૂત્ર ચોરી કરીને દહેશત ફેલાવતી ટોળકીના બે આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. ગુના શોધક શાખાની ઝડપી કામગીરીમાં પંડ્યા બ્રિજ અને આંબેડકર સર્કલ નજીક ગુના કરીને નાસી રહેલા સિકલીગર ગેંગના રીઢા ગુનેગાર સોનુસિંહ ભોંડ અને જશપાલસિંહ બાવરીને ઝડપી પાડવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, બંને આરોપીઓ રાત્રીના સમયે ખોટા વાળની વીગ અને ટોપી પહેરી ટૂ-વ્હીલર પર નીકળતા અને મુખ્યત્વે અકોટા અને ગોરવા વિસ્તારમાં મહિલાઓના ગળામાંથી સોનાની ચેઈન અને મંગળસૂત્ર તોડી ફરાર થઇ જતાં. આરોપીઓ વાહન પર નંબર પ્લેટ પણ લગાવતા નહોતા જેથી ઓળખ ન થઇ શકે. પોલીસ તપાસમાં બંનેએ છ ગુનાઓમાં સામેલ હોવાનું કબૂલી લીધું છે.

પોલીસે આરોપીઓ પાસેથી 10.01 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે જેમાં ચાર તૂટેલી સોનાની ચેઈન, બે મંગળસૂત્ર અને ઉપયોગમાં લેવાયેલા વાહનોનો સમાવેશ થાય છે. સોનુસિંહ વિરુદ્ધ અગાઉથી 11 અને જશપાલસિંહ વિરુદ્ધ પાંચ ગુનાઓ નોંધાયેલા છે. આ સફળ કાર્યવાહીથી અકોટા અને ગોરવા પોલીસ મથકમાં નોંધાયેલા છ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

(12:47 AM IST)