News of Sunday, 13th July 2025
ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષાનું 41.56 ટકાઃ ૬૯૭૮ વિદ્યાર્થીઓએ મેદાન માર્યુ
પરીક્ષામાં કુલ ૧૬,૭૮૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપીઃ નિયમિત વિદ્યાર્થીઓનું 44.71 ટકા પરિણામ જયારે રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ 27.76 ટકા

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ-12 સાયન્સની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં કુલ 16,789 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 6,978 વિદ્યાર્થીઓ પાસ થવામાં સફળ રહ્યા છે. આમ, પૂરક પરીક્ષાનું કુલ 41.56 ટકા પરિણામ જાહેર થયું છે. ગ્રૂપ પ્રમાણે જોઈએ તો, A ગ્રૂપનું 46.32 ટકા અને B ગ્રૂપનું 40.47 ટકા પરિણામ રહ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જાહેર કરાયેલા ધોરણ 12 સાયન્સ પૂરક પરીક્ષાના પરિણામમાં, નિયમિત વિદ્યાર્થીઓનું 44.71 ટકા પરિણામ રહ્યું છે, જ્યારે રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ 27.76 ટકા નોંધાયું છે. નોંધનીય છે કે, આ પૂરક પરીક્ષા નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ઉપરાંત, જે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સુધારવા માગતા હતા તેમણે પણ આપી હતી. આથી, નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટેની પૂરક પરીક્ષા અને પરિણામ સુધારવા માટે પૂરક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓનું પરિણામ અલગથી જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા 23 જૂનથી 30 જૂન દરમિયાન લેવાયેલી ધોરણ-12 સાયન્સની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં કુલ 6,978 વિદ્યાર્થીઓ પાસ થવામાં સફળ રહ્યા છે. ગ્રૂપ પ્રમાણે પરિણામ જોઈએ તો, A ગ્રૂપમાં કુલ 3,488 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તેમાંથી 3,135 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા અને તે પૈકી 1,452 વિદ્યાર્થીઓ પાસ થવામાં સફળ રહ્યા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જાહેર કરાયેલા ધોરણ 12 સાયન્સ પૂરક પરીક્ષાના પરિણામમાં B ગ્રૂપમાં 15,753 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તેમાંથી13,646 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા અને તે પૈકી 5,523 વિદ્યાર્થીઓ પાસ થયા છે. AB ગ્રૂપમાં 10 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 8 વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન હાજર રહ્યા અને તેમાંથી 3 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આમ, AB ગ્રૂપનું 37.50 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પાસિંગ ગુણ 20 ટકા રાખવામાં આવ્યા હતા. આ 20 ટકા પાસિંગ ગુણનો લાભ લઈને 3 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ધોરણ-12 સાયન્સની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ, હવે આગામી દિવસોમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-10નું પરિણામ પણ જાહેર કરવામાં આવશે.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
