તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th July 2025
દાહોદ જિલ્લાના ઝાલોદ સબજેલમાં કાચા કામના કેદીએ કર્યો આપઘાતઃ જેલ તંત્રમાં ભારે ખળભળાટ
જેલ તંત્રની સુરક્ષા વ્યવસ્થાઓ પર પ્રશ્નચિન્હઃ બેરેકમાં ચાદર વડે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કર્યાનું બહાર આવેલ છેઃ ઝાલોદના થેરકા ગામના રહેવાસી અને નકલી ચલણી નોટોના ગુનામાં જેલમાં હતો

દાહોદઃ દાહોદ જિલ્લાના ઝાલોદ સબજેલમાં એક કાચા કામના કેદીએ આપઘાત કરતા જેલ તંત્રમાં ભારે ખળભળાટ મચ્યો છે. ઝાલોદના થેરકા ગામના રહેવાસી અને નકલી ચલણી નોટોના ગુનામાં ઝાલોદ સબજેલમાં કાચા કામના કેદી તરીકે બંધ આરોપીએ સબજેલની બેરેકમાં ચાદર વડે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
દાહોદ જિલ્લાના ઝાલોદના થેરકા ગામના રહેવાસી શુક્લાભાઈ જવલાભાઈ સંગાડા રાજસ્થાનના આનંદપુરી અને ફતેપુરામાં નકલી નોટના કિસ્સામાં સંડોવાયેલો હતો. હાલ ઝાલોદ સબજેલમાં કાચા કામમાં કેદી તરીકે જેલમાં રાખવામાં આવ્યો હતો. આ કાચા કામના કેદી શુક્લાભાઈ જવલાભાઈ સંગાડા એ આજે સબજેલની બેરેકમાં ચાદર વડે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા જેલ તંત્ર તેમજ અન્ય કેદીઓમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સહિત એલસીબીની ટીમ તાત્કાલિક સબજેલ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
આ ઘટના બાદ જેલની સુરક્ષા અને વહીવટ પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. કેદી પાસે ચાદર કેવી રીતે પહોંચી? શું જેલ સ્ટાફ ચોકસાઈથી કામગીરી કરી રહ્યો છે? આવા અનેક પ્રશ્નો સામે આવ્યા છે. જેલમાં રહેલા કેદીઓની સલામતી અંગે હવે ફરીથી ચિંતા ઊભી થઈ છે અને તંત્ર માટે આ ઘટના ચેતવણીરૂપ બની છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
