<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th July 2025

રાજ્ય સરકારનો રોડ-રસ્તા મુદ્દે પ્રો-એક્ટિવ અભિગમ : 'ગુજમાર્ગ' એપ દ્વારા ૯૯.૬૬% ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કર્યાનો દાવો!

છેલ્લા છ માસમાં ૩,૬૩૨માંથી ૩,૬૨૦ ફરિયાદોનું સકારાત્મક નિરાકરણ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના કડક નિર્દેશો બાદ ચોમાસામાં ક્ષતિગ્રસ્ત માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ ચાલુ

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની મોસમને કારણે જે માર્ગોને નુકસાન થયું છે, તેને પુન:મોટરેબલ કરવા માટે રાજ્ય સરકારે અત્યંત પ્રો-એક્ટિવ અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, ક્ષતિગ્રસ્ત રસ્તાઓને ઝડપથી પૂર્વવત કરવા માટે માર્ગ અને મકાન વિભાગને ચોક્કસ દિશા નિર્દેશો આપીને સત્વરે કામો પૂર્ણ કરવાના કડક આદેશો આપવામાં આવ્યા છે. આ સૂચનાઓને પગલે હાલમાં રાજ્યભરમાં આ કામો યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા કાર્યરત 'ગુજમાર્ગ' એપ્લિકેશન આ પ્રો-એક્ટિવ અભિગમનો એક અભિન્ન અંગ બની છે. આ એપ પર અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ ૧૦ હજાર કરતાં વધુ નાગરિકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ એપ્લિકેશન થકી નાગરિકો દ્વારા કુલ ૩,૬૩૨ જેટલી ફરિયાદો નોંધાવવામાં આવી છે. તેમાંથી ૯૯.૬૬ ટકા એટલે કે ૩,૬૨૦ ફરિયાદોનું સકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું છે, જ્યારે બાકીની માત્ર ૭ જેટલી ફરિયાદો પર કામગીરી પ્રગતિમાં છે, તેવો દાવો કરવામાં આવ્યો છે. આ આંકડા સરકારના ફરિયાદ નિવારણ પ્રત્યેના ગંભીર અભિગમને દર્શાવે છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર, રાજ્યમાં રસ્તાઓ પરના ખાડા, ક્ષતિગ્રસ્ત પુલ અને અન્ય માળખાગત સુવિધાઓ અંગેની સમસ્યાઓના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે જ 'ગુજમાર્ગ' એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે. નાગરિકોને પોતાના વિસ્તારમાં પડતી આવી સમસ્યાઓની જાણ આ એપ્લિકેશન પર કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
'ગુજમાર્ગ' એપ્લિકેશન મુખ્યત્વે ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓની સ્થિતિ, પુલ અને અન્ય માળખાકીય સુવિધાઓ સંબંધિત ફરિયાદો નોંધાવવા માટે વિકસાવવામાં આવેલું એક સરળ અને સીધું પ્લેટફોર્મ છે. આ એપ દ્વારા નાગરિકો પોતાના વિસ્તારના રસ્તાઓની ખરાબ સ્થિતિ, ખાડા, પુલોને નુકસાન કે અન્ય માળખાકીય સમસ્યાઓ વિશે સીધી ફરિયાદ નોંધાવી શકે છે. એપ્લિકેશનમાં ફરિયાદની સાથે ફોટોગ્રાફ્સ પણ અપલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ છે, જેના આધારે સંબંધિત અધિકારીઓ દ્વારા ફરિયાદો પર સત્વરે કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત, નાગરિકો પોતે નોંધાવેલ ફરિયાદની સ્થિતિ (સ્ટેટસ) પણ આ એપ થકી તપાસી શકે છે. આ એપ્લિકેશન Google Play Store અને App Store પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે, તેમ માર્ગ અને મકાન વિભાગની યાદીમાં જણાવાયું છે.

 

(3:12 PM IST)