તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th July 2025
વડોદરામાં મોતનો યુટર્ન, દીકરીનું વ્રત પુરૂ થાય તે પહેલા પિતાએ પ્રાણ ગુમાવ્યા
ટ્રક ચાલકે યુટર્ન લેતા બાઇક સવાર પિતા અને પુત્રીને હડફેટે લીધા, ટ્રકનું ટાયર પિતાના માથા પરથી ફરી વળ્યું, ઘટનાસ્થળે જ મોત

અમદાવાદઃ વડોદરા નજીકથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માત આજવા બ્રિજ નીચે 12 જુલાઈ મોડી સાંજે સર્જાયો હતો. જેમાં દીકરી અને પિતા બાઇક લઈને પસાર થતા હતા તે દરમિયાન ટ્રક ચાલકે યુ-ટર્ન લેતા તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બાપ-દીકરી બંને નીચે પટકાયા હતા. જેમાં પિતાનું ઘટનાસ્થળે જ ટ્રકનું ટાયર માથાના ભાગે ફરી વળતા મોત નિપજ્યું હતું. તો દીકરી પણ ટ્રકના આગળના ભાગમાં ફસાઈ હતી. ત્યાં હાજર લોકોએ તાત્કાલિક ટ્રકને ખસેડીને દીકરીને બહાર કાઢી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી.
બાઈક પર જઈ રહેલા પિતા વિનોદભાઈ પટેલ અને તેમની દીકરી મેષા સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી આજવા બ્રિજ હેઠળથી પોતાના ઘરે પરત ફરી રહ્યાં હતા. ટ્રાફિક સિગ્નલ ગ્રીન હોવાથી બંને બ્રિજ નીચે પાસ થઇ રહ્યાં હતાં ત્યારે એરફોર્સ બ્રિજ તરફથી ઝડપે આવતા ટાટા કંપનીના ટ્રકે અચાનક યુ-ટર્ન લીધો અને બાઈકને સીધું અડફેટે લીધું. આ અથડામણ એટલી ગંભીર હતી કે પિતાનું માથું સીધું ટ્રકના ટાયરના નીચે આવી જતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. દીકરી ટ્રકના આગળના ભાગમાં ફસાઈ ગઈ હતી. આજુબાજુના લોકોએ તાત્કાલિક ટ્રક ખસેડી દીકરીને બહાર કાઢી સયાજી હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં તેની સારવાર ચાલુ છે. છાતી, માથું અને બંને હાથમાં ગંભીર ઈજાઓ સાથે તેનો પ્લાસ્ટિક સર્જરી પણ કરવી પડી છે.
આ દરમિયાન જયારે પ્રતિનિધિઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે માત્ર પિતા-દીકરીના ચપ્પલ ત્યાં પડેલા હતા. દીકરીએ પોતાની સામે પિતાનું મૃત્યુ જોયું હતું. દુઃખદ ઘટના દરમિયાન ત્યાં હાજર ટ્રાફિક પોલીસના જવાનો મોબાઇલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. સ્થાનિકોની ફરિયાદ છે કે અહીં વારંવાર અકસ્માત સર્જાય છે છતાં સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા જોવા મળતી નથી. માત્ર બે ટીઆરબી જવાનો અને એક કોન્સ્ટેબલ હોવા છતાં તેઓ પણ યોગ્ય કામગીરી કરતા નથી.
આ મામલે મૃતકના ભાઈ વિપુલકુમાર પ્રકાશભાઈ પટેલે કપુરાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે તેમના ભાઈ વિનોદભાઈ પરિવારના એકમાત્ર કમાનાર વ્યક્તિ હતા. તેમના પાછળ પત્ની, દીકરી અને બે અઢી વર્ષનો દીકરો છે. તેમણે વધુમાં જણાવ્યું કે તેમના બીજા ભાઈ મગજની બીમારીથી પીડાઈ રહ્યાં છે અને કમાઈ શકતા નથી. જેથી પરિવાર પર આર્થિક સંકટ ઊભું થયું છે.
વિપુલભાઈએ એ પણ જણાવ્યું કે જ્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ટ્રક ભયંકર રીતે બાઈક પર ફરી ગયું હતું. ભાઈનું માથું સીધું ટાયરના નીચે આવી ગયું હતું અને દીકરી તેના નીચે ફસાઈ ગઈ હતી. આજવા બ્રિજ અને મુખ્ય ચોકડી હોવાથી અહીં સતત અવરજવર રહે છે, છતાં પણ કોઈ યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા નથી.
કપુરાઈ પોલીસ મથકના પીઆઈ ડી.સી. રાઓલએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું કે અકસ્માત સર્જાતા તરત જ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી. ટ્રક ચાલક અબ્દુલ હલીમ હાદી, જે રાજસ્થાનનો રહેવાસી છે, તેની અટકાયત કરવામાં આવી છે. હાલ ઘટનાની વિગતોના આધારે ગુનો નોંધાઈ ચુક્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. તે મૂળ રાજસ્થાનનો છે જે યુ ટર્ન લેતો હતો ત્યારે આ ઘટના બની હતી.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
