તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th July 2025
મુજપૂર પાસે મહી નદી પર ૨૧૨ કરોડના ખર્ચે નવો ટુ-લેન હાઈલેવલ પુલ બનશે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની તત્કાળ મંજૂરી!
દુર્ઘટનાગ્રસ્ત પુલને સમાંતર ૧૮ માસમાં નિર્માણ કાર્ય પૂર્ણ કરવાનો લક્ષ્યાંક : ટેન્ડર પ્રક્રિયા શરૂ : પાદરા - આંકલાવને જોડતો માર્ગ અને સ્થાનિક રોજગારીના પ્રશ્નોનો ઉકેલ

ગાંધીનગર, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપૂર નજીક મહી નદી ઉપર નવો ટુ-લેન હાઈલેવલ પુલ બનાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે માર્ગ અને મકાન વિભાગને વહીવટી મંજૂરી આપી દીધી છે. આ નવા પુલના નિર્માણ માટે ૨૧૨ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે, અને તેનું કામ ૧૮ માસમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પુલ બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા પણ તાબડતોબ શરૂ કરી દેવામાં આવી છે.
આ નવો પુલ પાદરા અને આંકલાવને જોડશે, જે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને પરિવહનથી જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તાજેતરમાં અહીં પુલ તૂટી પડવાની દુર્ઘટના બનતા સ્થાનિક લોકોને રોજગારીના પ્રશ્નો, છાત્રોને અવરજવરના પ્રશ્નો સર્જાયા હતા. આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તત્કાળ આ પુલ બનાવવાની મંજૂરી આપી છે, જે રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમને દર્શાવે છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા દુર્ઘટનાગ્રસ્ત પુલની સમાંતર નવો પુલ બનાવવા માટે તાજેતરમાં સર્વે કરીને ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે જ નવો પુલ બનાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર એન. વી. રાઠવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મુજપૂર એપ્રોચ રોડ જે હાલમાં ટુ-લેન છે, તેને ફોર-લેન કરીને ૭ મીટરનો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાઈવેથી પુલ સુધી પહોંચવાના ૪.૨ કિલોમીટરના માર્ગને પણ ફોર-લેન કરવામાં આવશે. આ બંને કામ માટે મુખ્યમંત્રી દ્વારા ૨૧૨ કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી પ્રદાન કરવામાં આવી છે. આ ઝડપી કાર્યવાહીથી સ્થાનિક લોકો અને પરિવહન વ્યવસ્થાને મોટી રાહત મળશે.
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
