<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th July 2025

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિર્દેશ બાદ ક્ષતિગ્રસ્ત ભારતમાલા હાઈવેની તપાસ શરૂ : NHAI ના સભ્ય વેંકટરમને સ્થળ નિરીક્ષણ કરી સેમ્પલ લીધા!

સાંતલપુરના બકુત્રા નજીક ૧.૩૫ કિમી હાઈવે ક્ષતિગ્રસ્ત થતાં ઊંડાણપૂર્વક તપાસના આદેશ : NHAI દ્વારા ગુણવત્તામાં કચાશ જણાશે તો કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહીની ખાતરી : ઝડપી સમારકામનું વચન

ગાંધીનગર: તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે રાજ્યમાં ક્ષતિગ્રસ્ત થયેલા રોડ-રસ્તાઓના ઝડપી રિપેરિંગ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કડક દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા. નાગરિકોને રોડ-રસ્તાની સુવિધા પૂર્વવત મળી રહે તે સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારે વહીવટી તંત્રને ખાસ પગલાં લેવાની સૂચના આપી છે, જેમાં રોડ-રસ્તા અને બ્રિજના સ્થળ નિરીક્ષણ કરી અહેવાલ સોંપવાનો પણ આદેશ કરાયો છે.
આ આદેશના અનુસંધાને, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ના માર્ગોનું પણ સ્થળ નિરીક્ષણ કરી તપાસ કરવાનો આદેશ કરાયો છે. જે અંતર્ગત, NHAI સંચાલિત ભારતમાલા હાઈવે પર રાજસ્થાનના સાંચોરથી પાટણ જિલ્લાના સાંતલપુર સુધીના ૧૩૫ કિલોમીટર પૈકીનો ૧.૩૫ કિલોમીટરનો હાઈવે માર્ગ ક્ષતિગ્રસ્ત થતાં, આજરોજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (દિલ્હી) ના સભ્ય વેંકટરમને સાંતલપુર તાલુકાના બકુત્રા નજીક ટોલટેક્સ પાસે હાઈવે માર્ગનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
વેંકટરમને જિલ્લા કલેકટર તુષાર ભટ્ટ સાથે પાટણ જિલ્લામાંથી પસાર થતા ભારતમાલા હાઈવેનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે રોડના સેમ્પલ પણ લીધા હતા અને જણાવ્યું હતું કે, જો સેમ્પલની ગુણવત્તામાં કોઈ ખામી જણાશે તો જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકો અને વાહનચાલકોને પડી રહેલી અસુવિધા મામલે વેંકટરમને ખેદ વ્યક્ત કર્યો હતો અને સત્વરે સુવિધાજનક પરિવહનની ખાતરી આપી હતી.
NHAI ના સભ્ય વેંકટરમને વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાલા પ્રોજેક્ટ સાંચોરથી સાંતલપુર માર્ગ પર ઝોન-૪ ના હાઈવે માર્ગ પર ખાડા પડવા અને રોડ ક્ષતિગ્રસ્ત થયો હોવાનું માલુમ પડતાં આ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. રોડનું કામ કરનાર જવાબદાર કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે. રોડના સેમ્પલની ચકાસણી બાદ ગુણવત્તામાં કચાશ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ગુજરાતના વાહનચાલકો અને નાગરિકો સમક્ષ ખાડા પડવા મામલે ખેદ વ્યક્ત કરી સુવિધાયુક્ત અને આરામદાયક પરિવહનની ખાતરી આપી હતી.
તેમણે ઉમેર્યું હતું કે, રોડની કામગીરી માટે નવીન મશીનરી અને મેનપાવર પણ પૂરા પાડવામાં આવ્યા છે. જો વરસાદી વાતાવરણ નહીં હોય તો ટૂંક સમયમાં રોડની મરામત અને સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
પાટણ જિલ્લા કલેકટર તુષારકુમાર ભટ્ટે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંકલનથી NHAI ના માર્ગોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર રોડ-રસ્તાની સુવિધા પૂર્વવત કરવા માટે કટિબદ્ધ છે. ભારતમાલા રોડ ક્ષતિગ્રસ્ત થવા મામલે NHAI ના સભ્ય વેંકટરમને ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરી છે અને કોન્ટ્રાક્ટર સામે પગલાં લીધાં છે. તેમણે રોડના પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી અને જણાવ્યું હતું કે વધુ માણસો કામે લગાડવામાં આવ્યા છે, જેથી ટૂંક સમયમાં આ સમસ્યાનું નિરાકરણ લાવી શકાશે.
ભારતમાલા હાઈવેના નિરીક્ષણ દરમિયાન NHAI ના રિજિયોનલ ઓફિસર સુનીલ યાદવ, રાધનપુર પ્રાંત અધિકારી, માર્ગ અને મકાન વિભાગ પાટણ (રાજ્ય) ના અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.

(6:38 PM IST)