તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 15th July 2025
અમદાવાદ રેલવે સ્ટેશન પર RPF ની ટીમે મજૂરી માટે લવાયેલા 11 સગીર બાળકોને બચાવી લીધા
જનરલ કોચની તપાસ દરમિયાન 10 છોકરાઓ અને 1 છોકરી મળ્યા જેને તરત જ રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થાન પર ખસેડયા

અમદાવાદ : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે માનવ તસ્કરીને રોકવા માટે લીધેલા પ્રતિબદ્ધ પ્રયાસોમાં વધુ એક સફળતા મળી છે. ‘માનવ તસ્કરી વિરોધી’ અભિયાન અંતર્ગત અમદાવાદ રેલવે સ્ટેશન પર આરપીએફની ટીમે 11 સગીર બાળકોને બચાવી લીધા છે, જેને લઈને રાષ્ટ્રીય સ્તરે પ્રશંસા થઈ રહી છે.
માહિતી અનુસાર, તારીખ 14 જુલાઈ, 2025ના રોજ એસઆઈપીએફ ચેતન કુમારના નેતૃત્વમાં આરપીએફની ટીમે એનજીઓ ‘બચપન બચાવો આંદોલન’ તેમજ જી.આર.પી. સાથે મળીને વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાનમાં કેશુભાઈ ચૌધરી, રમેશભાઈ રબારી, નરેન્દ્ર ચૌધરી, રાકેશસિંહ ચૌહાણ સાથે એનજીઓના સ્ટેટ કોઓર્ડીનેટર ઇન્દ્રજીત સિંહ, ઘનશ્યામ પ્રજાપતિ, શીતલ પ્રદીપ અને દામિની પટેલ પણ જોડાયા હતા.
ટ્રેન નંબર 19436 આસનસોલ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ, જે બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાંથી ચાલે છે, તે 11:35 વાગ્યે અમદાવાદ સ્ટેશનના પ્લેટફોર્મ નં. 07 પર પહોંચી હતી. જનરલ કોચની સઘન તપાસ દરમિયાન 10 છોકરાઓ અને 1 છોકરી શંકાસ્પદ રીતે મળ્યા હતા, જેને તરત જ રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક પૂછપરછમાં પ્રકાશમાં આવ્યું છે કે આ બાળકોને મજૂરી માટે લાવવામાં આવ્યા હતા. જોકે, આ મામલે અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી પરંતુ તમામ બાળકોને વધુ તપાસ અને કાનૂની કાર્યવાહી માટે GRP અમદાવાદને સોંપવામાં આવ્યા છે.
આ રેસ્ક્યૂ ઓપરેશનની પ્રશંસા કરવામાં આવી રહી છે અને માનવ તસ્કરી સામે આરપીએફનો આ કડક અભિગમ સમાજમાં જાગૃતિ અને ચેતવણીનું કામ કરશે.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
