<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

સોલા પોલીસે ત્રણ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો :બાપુડી ગેંગનો કર્યો પર્દાફાશ: 13.50 લાખનો મુદ્દામાલ જપ્ત

ચાંદલોડીયા ગરનાળાથી રેલવે સ્ટેશન તરફ જતા રોડ ઉપરથી મધ્યપ્રદેશની બાપુડા ગેંગના મુખ્ય ઈનામી પવન ઉર્ફે ભુવન ઉર્ફે જાડીયો સહિત છ આરોપીઓને ઝડપી પાડયા

અમદાવાદ શહેરમાં સતત વધતી ઘરફોડ ચોરીની ઘટનાઓ વચ્ચે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડે મધ્યપ્રદેશથી આવેલી બાપુડા ગેંગને પકડી પાડીને ત્રણ અલગ અલગ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 13,50,000/- નો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચાંદલોડીયા ગરનાળાથી રેલવે સ્ટેશન તરફ જતા રોડ ઉપરથી મધ્યપ્રદેશની બાપુડા ગેંગના મુખ્ય ઈનામી પવન ઉર્ફે ભુવન ઉર્ફે જાડીયો સહિત છ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓની પાસેથી રૂ. 12 લાખની બ્રાન્ડેડ રોલેક્ષ વોચ, રૂ. 1.5 લાખની રોકડ રકમ, તેમજ ઘરફોડમાં ઉપયોગ થતાં હાઇડ્રોલિક કટર સહિતના સાધનો જપ્ત કરાયા છે.

આરોપીઓ પહેલા રેકી કરીને મકાનને નિશાન બનાવતા, બારીના સળીયા હાઇડ્રોલિક કટરથી કાપી મકાનમાં ઘુસતાં અને અંદરના કિંમતી દાગીના, રોકડ રકમ અને ઘડીઓ ચોરતા હતા. બહાર તેમના સાગરીતો નજર રાખતા જેથી કોઈ રોકે નહીં.

પકડાયેલા આરોપીઓએ પુછપરછમાં કબૂલાત આપી છે કે 1. લગભગ દોઢ માસ પહેલા સોલા હાઇકોર્ટ વિસ્તારમાં ગોપીનાથનગર સોસાયટીમાં ચોરી કરી હતી. 2. છઠ્ઠા મહિનાના અંતમાં નરોડા સુર્થાંશ વિલા બંગ્લોઝમાં ઘરફોડ કરી હતી અને 3. થોડા દિવસ અગાઉ ગોતા ગામ પટેલવાસમાં પણ બારી કાપી રોકડ રકમ અને દાગીના ચોર્યા હતા.

આંતરરાજ્ય બાપુડા ગેંગના પકડાયેલા મુખ્ય આરોપીઓમાં 1. પવન ઉર્ફે ભુવન ઉર્ફે જાડીયો, 2. રામલાલ ઉર્ફે બાપુ, 3. સાગર, 4. પરષોત્તમ ઉર્ફે વીરપ્રતાપ, 5. સચીન ઉર્ફે દેવરાજ, અને 6. કરણનો સમાવેશ થાય છે. આ બધા આરોપીઓ મધ્યપ્રદેશના ગુના જિલ્લાના રહેવાસી છે અને જાતે પારદી (નટ) સમાજ સાથે સંબંધિત છે.

સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડે મોટો સાહસ બતાવી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડીને લાખોની કિંમતના મુદ્દામાલને સુરક્ષિત કર્યો છે. આવનારા સમયમાં પણ ઘરફોડ ચોરી કરતા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનું ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.

 

(8:49 PM IST)