તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
ગુજરાતમાં ૨.૮૨ લાખથી વધુ સર્વે નંબરો જુની શરતમાં જાહેર : મહેસૂલ વિભાગ દ્વારા પ્રજાભિમુખ વહીવટ અને પ્રક્રિયાઓના સરળીકરણની ઝુંબેશ તેજ
અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવિએ વિડીયો કોન્ફરન્સ દ્વારા કરી સમીક્ષા : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિર્દેશ હેઠળ કાર્યરત મહેસૂલ વિભાગ : અનધિકૃત ધાર્મિક બાંધકામો હટાવવા અને જમીન ફાળવણીના કાર્યો ઝડપી બનાવવા પર ભાર

ગાંધીનગર, તા. ૧૬ જુલાઈ, ૨૦૨૫, બુધવાર]: ગુજરાત રાજ્યમાં મહેસૂલ વિભાગ દ્વારા પ્રજાભિમુખ વહીવટ અને પ્રક્રિયાઓના સરળીકરણના ભાગરૂપે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિર્દેશ અને વડપણ હેઠળ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવિએ વિડીયો કોન્ફરન્સ (વી.સી.) ના માધ્યમથી નિવાસી કલેકટર અને અધિક કલેકટર સાથે વિભાગીય અગત્યની કામગીરીનો વિગતવાર રીવ્યુ લીધો હતો.
આ અંગે માહિતી આપતા ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જૂની શરતમાં જાહેર કરવાપાત્ર સર્વે નંબરોને જૂની શરતમાં ફેરવવાની કામગીરીની ઝુંબેશના ભાગરૂપે અત્યાર સુધી ૨.૮૨ લાખથી વધુ સર્વે નંબરો જૂની શરતમાં જાહેર કરવામાં આવ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આ કામગીરીનો સતત રીવ્યુ કરીને ટૂંક સમયમાં તેને પૂર્ણ કરવામાં આવશે.
આ વી.સી. કોન્ફરન્સમાં રાજ્યના જિલ્લાઓ ખાતેના અનધિકૃત ધાર્મિક બાંધકામો દૂર કરવા માટે ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીનો પણ રીવ્યુ લેવામાં આવ્યો હતો. ગૃહ સચિવ નિપુર્ણા તોરવણે દ્વારા કલેકટરને દૂર કરવામાં આવેલ અને રી-લોકેટ કરવામાં આવેલ ધાર્મિક બાંધકામોની કામગીરીની સમીક્ષા કરીને, બાકીના અનધિકૃત ધાર્મિક બાંધકામો નિયત પ્રક્રિયા અનુસરીને ઝડપથી દૂર કરવા અને રી-લોકેટ કરવાની કામગીરી પૂરી કરવા સૂચના આપવામાં આવેલ હતી. આ બાબતે જિલ્લાતંત્ર દ્વારા જરૂરી સહયોગ ગૃહ વિભાગને મળી રહે તે માટે ડો. રવિ દ્વારા દિશાનિર્દેશ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, જિલ્લા સેવા સદન, તાલુકા સેવા સદન અને અન્ય મહેસૂલી ભવનોના બાંધકામ ટાઇપ ડીઝાઇન મુજબ જ થાય તેમજ જમીન ફાળવણીની કામગીરી પણ માપણીની કામગીરી સમયસર પૂર્ણ કરીને ઝડપથી કરવામાં આવે તે માટે માર્ગ અને મકાન વિભાગના પરામર્શમાં જરૂરી સૂચનાઓ કલેકટરને આપવામાં આવી હતી.
ડો. જ્યંતિ રવિએ અંતે જણાવ્યું હતું કે, ઇ-ગવર્નન્સના માધ્યમથી જિલ્લા કક્ષાના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે, પ્રજાલક્ષી નિર્ણયોની સરળતાથી અમલવારી થઇ શકે તેમજ મહેસૂલી કામગીરીમાં પારદર્શિતા આવે તે હેતુસર મહેસૂલ વિભાગ દ્વારા સમયાંતરે યોજાતી કલેકટર / નિવાસી અધિક કલેકટરની આવી વી.સી. કોન્ફરન્સ એક નિર્ણાયક અને મહત્વપૂર્ણ માધ્યમ બની રહી છે. આ રીતે, રાજ્ય સરકાર પ્રજાલક્ષી નિર્ણયોને વધુ ગતિ અને પારદર્શિતા સાથે અમલમાં મૂકવા કટિબદ્ધ છે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
