તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
અમદાવાદ :પત્નીના ચારિત્ર્ય પરની શંકાએ પરિવારનો માળો વિખેરી નાખ્યો:પતિએ જ પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી
પતિ નરેશે ઉપરના માળે લઇ જઈ પત્નીને વાયરથી ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી નાખી હોવાનું પરિવારને જણાતા વાસણા પોલીસને જાણ કરાઈ

અમદાવાદ :પત્નીના ચારિત્ર્ય પરની શંકાએ એક પરિવારનો માળો વિખેરી નાખ્યો છે, પતિએ જ પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી નાખતા બાળકો નિરાધાર થયા છે, આ ઘટના અમદાવાદના વાસણા વિસ્તારમાં બની હતી, જે મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપી પતિની ધરપકડ કરી છે.
નરેશ ખીમોરીયા નામના શખ્સે 15મી જુલાઈના રોજ વહેલી સવારે પોતાના જ ઘરમાં પત્નીની હત્યા કરી નાખતા તેની ધરપકડ કરવામાં આવી છે. વાસણામાં આવેલા ચામુંડાનગરનમાં મીનાબેન ખીમોરીયા તેના પતિ નરેશ ખીમોરીયા અને ત્રણ બાળકો સાથે રહેતા હતા. નરેશ ખીમોરીયા કડિયા કામ જાણતો હોય પરંતુ કોઈ કામધંધો કરતો ન હોવાથી અવારનવાર પત્નીને હેરાન કરતો હતો અને પત્ની ઘરકામ કરી બાળકોનું નિર્વાહ ચલાવતી હોવાથી તેનાં ચારિત્ર્ય પર શંકા રાખી સતત ઝઘડા કરતો હતો. ઘટનાના 4-5 દિવસથી સતત પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હતા અને પોલીસમાં રજુઆત પણ ગઈ હતી, જોકે મીનાબેને પતિ સામે ફરિયાદ નતી કરી.
મૃતક મીનાબેનના પિતા પણ મીનાબેનના મકાનના ઉપરના માળે ચારેક વર્ષથી ભાડે રહે છે, નીચેના માળે મીના તેના પતિ, બાળકો અને સાસુ, સસરા સાથે રહે છે. મુળુભાઈ પરિમલ ચાર રસ્તા પાસે એક બિલ્ડીંગમાં લીફ્ટમેન તરીકે ફરજ બજાવે છે. તેઓની દિકરી મીનાના લગ્ન 20 વર્ષ પહેલા નરેશ ખીમોરીયા સાથે થયા હતા. મીના અને તેના પતિ નરેશ વચ્ચે ઘણા દિવસોથી ઝઘડા ચાલતા હતા. 15મી જુલાઈના રોજ અચાનક સવારના પાંચ વાગે નરેશ બહારથી ઘરે આવ્યો અને પત્ની મીનાને લઈને ઉપરના માળે ગયો અને થોડી વારમાં પાછો બહાર જતો રહ્યો, તે સમયે મીનાના માતાપિતા નેચીના માળે હતા, જોકે થોડી વાર પછી મીનાનો ભાઈ વતનમાંથી પરત આવતા તેની દિકરી તેને બોલાવવા માટે ઉપરના માળે ગઈ ત્યારે તેણે માતાને મૃત હાલતમાં જોઈ પરિવારના તમામ સભ્યોને જાણ કરી હતી.
મીનાના માતાપિતા સહિતના પરિવારજનો ઉપરના માળે પહોંચતા મીના જમીન પર ઢળી પડેલી હાલતમાં હતી, તેના ગળામાં ઈજાના નીશાન હતા, જેથી 108ને જાણ કરાઈ હતી, 108ના મેડિકલ ઓફિસરે તપાસ કરતા મીનાનું મોત થયું હોવાની જાણ પરિવારને થઈ હતી. મૃતદેહની પાસે એક વાયર પણ જોવા મળ્યો જેથી તેના પતિ નરેશે તેનું વાયરથી ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી નાખી હોવાનું પરિવારને જણાતા આ મામલે વાસણા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે આ મામલે તપાસ કરી અંતે આરોપી નરેશ ખીમોરીયાને પકડી પાડ્યો હતો.
પોલીસે આરોપીની ધરપકડ કરી આ હત્યા કયા સંજોગોમાં થઈ તેની પુછપરછ શરૂ કરી છે, તેમજ આરોપી વહેલી સવારે ઘરે કઈ જગ્યાથી આવ્યો હતો અને હત્યા કર્યા બાદ ક્યાં ક્યાં નાસતો ફરતો હતો, તેણે હત્યા માટે કોઈની મદદ લીધી હતી કે કેમ અને તેની પત્ની પર શંકા રાખવા પાછળના કારણ કયા હતા તેને લઈને તપાસ હાથ ધરી છે. તેવામાં પોલીસ તપાસમાં હત્યાને લઈને કયા રહસ્યનો પર્દાફાસ થાય છે તે તો આવનારો સમય જ બતાવશે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
