તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th July 2025
અમદાવાદાની સિવિલ હોસ્પિટલમાં બિલાડીઓના આંટાફેરાથી દર્દીઓ પરેશાન :વીડિયો થયો વાઈરલ
વીડિયોમાં રેડિયોલોજી વિભાગની બહાર, લોબીમાં લોકોની અવરજવર વચ્ચે, અને વોર્ડ તેમજ ICUની અંદર બિલાડીઓ બેફામ રીતે ફરતી જોવા મળે છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હજારો દર્દી સારવાર લે છે. ત્યાં હવે બિલાડીઓના આતંકથી દર્દીઓ અને તેમના સગાં-સંબંધીઓ પરેશાન થઈ ઉઠ્યા છે. હોસ્પિટલ પરિસરમાં બિલાડીઓનો ત્રાસનો વીડિયો વાઈરલ થયો છે. ખાસ કરીને વોર્ડ, લોબી અને રેડિયોલોજી વિભાગમાં તેઓ ખુલ્લેઆમ ફરી રહી છે.
મળતી વિગતો મુજબ, આ બિલાડીઓ વોર્ડની અંદર બહાર ફેંકાયેલો મેડિકલ વેસ્ટ અને ગંદકી લઈને આવે છે. જેનાથી દર્દીઓ પરેશાન થાય છે. એટલું જ નહીં, તેઓ દર્દીઓની ખાવા-પીવાની વસ્તુઓ પણ ઉપાડીને લઈ જાય છે તેવી અનેક ફરિયાદો સામે આવી છે. વીડિયોમાં રેડિયોલોજી વિભાગની બહાર, લોબીમાં લોકોની અવરજવર વચ્ચે, અને વોર્ડ તેમજ ICUની અંદર બિલાડીઓ બેફામ રીતે ફરતી જોવા મળે છે. આ બિલાડીઓને ભગાડવા વાળું કોઈ નથી અને હોસ્પિટલ સ્ટાફ પણ તેમને દૂર કરવાનો કોઈ પ્રયાસ કરતો નથી.
સિવિલ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. ટ્રોમા સેન્ટર બહાર સામાન્ય દર્દીના સગાંને રોકનારા સિક્યુરિટી ગાર્ડ્સ બિલાડી, કૂતરા કે અન્ય પ્રાણીઓને રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે. હોસ્પિટલના જ હાઉસકીપિંગ સ્ટાફ દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી છે કે લોબી કે વોર્ડમાં કૂતરા અને બિલાડીઓ દેખાવાની ઘટના સામાન્ય બની ગઈ છે કારણ કે તેમને રોકવામાં આવતા નથી. આ ઉપરાંત, સિવિલમાં માત્ર બિલાડી જ નહીં, ઉંદર અને કૂતરાનો પણ ત્રાસ હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર મામલે તંત્ર ક્યારે હરકતમાં આવે છે અને બિલાડી, ઉંદર અને કૂતરાના આ ત્રાસમાંથી હોસ્પિટલને ક્યારે મુક્તિ મળે છે તે જોવું અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. સ્વચ્છતા અને સુરક્ષાના આ ગંભીર મુદ્દા પર તાત્કાલિક કાર્યવાહી કરવી અનિવાર્ય છે.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
