<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

સુરતમાં પાટીદારની દીકરીને ઝડપી ન્યાયની માંગ : ખોડલઘામ અને સરદારધામ દ્વારા મુખ્યમંત્રીને પત્ર

આ ઘટનાને લઈને સમગ્ર પાટીદાર સમાજમાં રોષ : સમાજની માંગ છે કે ગુનેગારોને કડક સજા મળે, જેથી ભવિષ્યમાં કોઈ પણ યુવાન આવી હરકત કરતા પહેલા સો વાર વિચારે.

સુરતમાં પાટીદાર સમાજની યુવતીએ એક સગીરના ત્રાસથી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવને પગલે પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. દીકરીને ન્યાય અપાવવા માટે ગઇકાલે કેન્ડલમાર્ચ કરવામાં આવી હતી. ત્યારે ખોડલધામ અને સરદારધામ જેવી પાટીદાર સમાજની સંસ્થાઓ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને યોગ્ય કાર્યવાહી કરવાની તથા દીકરીને ઝડપી ન્યાય મળે તેવી માગ કરવામાં આવી છે.

પાટીદાર સમાજની સંસ્થાઓ ખોડલધામ, સરદારધામ અને કિરણ હોસ્પિટલ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. પત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પીડિત યુવતીને વહેલી તકે ન્યાય મળે. આ સાથે હર્ષ સંઘવી અને સુરત પોલીસ કમિશનરને પણ પત્રો લખવામાં આવ્યા છે, જેમાં યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

ખોડલધામ દ્વારા મુખ્યમંત્રીને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં અનુસાર, 13 જુલાઈના રોજ સુરતના કતારગામ વિસ્તારમાં નેનુ રજનીભાઈ વાવડીયા નામની દીકરીએ આત્મહત્યા કરી હતી. આરોપી દ્વારા છેલ્લા ઘણા સમયથી મૃતક દીકરીને વારંવાર પજવણી, માનસિક ત્રાસ અને હેરાન- પરેશાન કરતો હોવાથી દીકરીએ આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આવી ઘટનાઓ ઘણી દીકરીઓ સાથે બની રહી છે.

આપને જણાવવાનું કે, મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા માટે રાજ્ય સરકાર ખૂબ જ ગંભીરતાથી અને કડકાઈથી કામ કરી રહી છે તેથી સુરતની આ ઘટનામાં સંડોવાયેલા શખ્સોને કડકમાં કડક સજા મળે જેથી આવનારા દિવસોમાં આવુ કૃત્ય કરનારાઓમાં ભય ઉભો થાય અને એક કડક કાર્યવાહીનો દાખલો બેસે. તેથી આ બાબતે રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી છે.

ગઈકાલે સાંજે સુરતમાં હજારો લોકોએ કેન્ડલ માર્ચ યોજી હતી અને પીડિત યુવતીને ન્યાય મળે તે માટે માંગણી કરી હતી. લોકો ન્યાયિક તપાસની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ ઘટનાને લઈને સમગ્ર પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. સમાજની માંગ છે કે ગુનેગારોને કડક સજા મળે, જેથી ભવિષ્યમાં કોઈ પણ યુવાન આવી હરકત કરતા પહેલા સો વાર વિચારે.

(6:42 PM IST)