News of Friday, 18th July 2025
સુરતના જહાંગીરાબાદમાં એક એપાર્ટમેન્ટમાં આગ ભભૂકી : ગેલેરીમાં ફસાયેલા ચાર લોકોનું લેડર મારફત રેસ્ક્યુ કરાયું
વૈષ્ણોદેવી બ્લૂ બિલ્સ એપાર્ટમેન્ટમાં બી બિલ્ડિંગમાં ત્રીજા માળે 302 નંબરના ફ્લેટમાં આગ લાગી : ટીવી, એસી, ફ્રીઝ અને ફર્નીચર બળી ગયું

સુરતના જહાંગીરાબાદ ખાતે આવેલા એક એપાર્ટમેન્ટમાં વહેલી સવારે આગ લાગી હતી. બીજી તરફ ઘરમાં રહેલા 4 સભ્યો ફસાઈ ગયા હતા અને ગેલેરીમાં ફસાઈ ગયા હતા. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. લેડરની મદદથી પરિવારના 4લોકોનું સહી સલામત રેસ્ક્યુ કર્યું હતું.
મળતી માહિતી મુજબ, સુરતના જહાંગીરાબાદ સ્થિત વૈષ્ણોદેવી બ્લૂ બિલ્સ એપાર્ટમેન્ટમાં બી બિલ્ડિંગમાં ત્રીજા માળે 302 નંબરના ફ્લેટમાં વહેલી સવારે આગ લાગી હતી. આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમ દ્વારા મોરાભાગળ, પાલનપુર અને અડાજણ ફાયર સ્ટેશનને આગ અને બચાવનો કોલ આપ્યો હતો. આગના કોલની ગંભીરતા પારખીને અડાજણ ફાયર સ્ટેશનથી હાઇડ્રોલિક પ્લેટફોર્મ પણ મોકલવામાં આવ્યું હતું.
ઘરમાં આગ લાગતા ધુમાડો ઘરમાં પ્રસરી ગયો હતો અને પરિવારના 4 સભ્યો ગેલેરીમાં ફસાઈ ગયા હતા. ફાયર વિભાગની ટીમે 35 ફીટની ફાયર લેડર લગાવીને બાલ્કનીમાં ફસાયેલા વિનોદ ભાઈ પટેલ [ઉ.50] માયાબેન વિનોદભાઈ પટેલ [ઉ.47] અને તેમના બે પુત્ર નંદન વિનોદ ભાઈ પટેલ [ઉ.26] અને કશ્યપ વિનોદભાઈ પટેલ [22]ને સહી સલામત નીચે ઉતર્યા હતા અને ત્યારબાદ આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી, પરિવારના ચારેય સભ્યોને 108 બોલાવીને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી હતી.
ફાયર ઓફિસર ગીરીશભાઈ સેલરએ જણાવ્યું હતું કે ઘરમાં આગ લાગતા ટીવી, એસી, ફ્રીઝ અને ફર્નીચર બળી ગયું હતું, ઘરમાં ફસાયેલા 4 લોકોને લેડર મારફતે સહી સલામત નીચે ઉતર્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
