News of Friday, 18th July 2025
સુરતમાં હનીટ્રેપ મામલે SOGને મોટી સફળતા :10 જેટલી ગેંગ સક્રિય હોવાનો ચોંકાવનારો ખુલાસો :મશરૂ ગેંગ ઝડપાઇ
અનેક નામો ખુલવાની શકયતા : આ ગેંગ પુરુષોને ફસાવવા માટે મહિલાઓને "પેપર" નામનો કોડવર્ડ આપતી

સુરત શહેરમાં હનીટ્રેપના વધતા જતા કિસ્સાઓ વચ્ચે સુરત SOGને મોટી સફળતા મળી છે. SOG પોલીસે લોકોને હનીટ્રેપમાં ફસાવતી મશરૂ ગેંગને ઝડપી પાડી છે. આ કાર્યવાહી દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે સુરતમાં આવી લગભગ 10 જેટલી ગેંગ સક્રિય હોવાનો ખુલાસો થયો હતો. આ મામલે sog પોલીસ ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી છે જેમાં અનેક નામો ખુલવાની શકયતા વર્તાઇ રહી છે.
સુરતના 44 વર્ષીય એક રત્નકલાકાર તેમના સંબંધીને કોલ કરતા હતા તે દરમિયાન તેમના જુના સહકર્મી અસ્મિતા ભરડવાને કોલ લાગી ગયો હતો. અસ્મિતા ભરડવાએ આ વાતનો લાભ ઉઠાવી દરરોજ મેસેજ અને કોલ કરી સંપર્ક વધાર્યા હતા..ત્યારબાદ તેમને મળવા બોલાવી હનીટ્રેપમાં ફસાવ્યો હતો. અસ્મિતાએ રત્નકલાકારને પોતાના ઘરે બોલાવી, બાદમાં અચાનક બે નકલી પોલીસકર્મીઓ ઘરમાં ઘુસી આવ્યા હતા. આ નકલી પોલીસે રત્નકલાકારનો વીડિયો બનાવી તેની પાસે 20 લાખની માંગણી કરી હતી.
રત્નકલાકાર એન કેન પ્રકારે ત્યાંથી વાયદા કરીને નીકળ્યો હતો..ત્યારબાદ SOG પોલીસનો સંપર્ક કર્યો હતો..SOG પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરતા તપાસમાં સામે આવ્યું હતું કે રત્નકલાકારને ફસાવનાર મશરૂ ગેંગ છે. જેથી અસલી પોલીસે નકલી પોલીસ બનેલા અમિત ઉર્ફે ભરત મનસુખભાઈ મશરૂ, સુમિત મનસુખભાઈ મશરૂ અને અસ્મિતા ભરડવાની ધરપકડ કરી છે. તેમની પાસેથી પોલીસે હથકડી અને નકલી ભાવનગર પોલીસના આઈકાર્ડ પણ જપ્ત કર્યા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હનીટ્રેપની આ ગેંગ પુરુષોને ફસાવવા માટે મહિલાઓને "પેપર" નામનો કોડવર્ડ આપતી હતી. આ ગેંગના સભ્યો ડેટિંગ સાઈટ્સ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ મેસેન્જર, ટેલિગ્રામ અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને લોકોને મીઠી મીઠી વાતોમાં ફસાવતા હતા. "પેપર ગર્લ" તરીકે ઓળખાતી મહિલાઓ લોકોને હનીટ્રેપનો શિકાર બનાવવાનું કાર્ય કરતી હતી.SOG પોલીસ હાલ પોતાની ઓળખ છુપાવી આવી ગેંગની "પેપર ગર્લ" ના સંપર્કમાં છે. પોલીસ આ ગેંગનો સંપૂર્ણ પર્દાફાશ કરવા માટે છટકું ગોઠવી લાઈવ રેડ કરવાની તૈયારી કરી રહી છે.
આ કાર્યવાહીથી સુરતમાં સક્રિય અન્ય હનીટ્રેપ ગેંગનો પણ પર્દાફાશ થવાની શક્યતા છે.પોલીસે આ મામલે તપાસ કરતા 10 જેટલી અન્ય આવી ગેંગ હોવાનું જણાવાયું હતું જે લોકો ને હની ટ્રેપ માં ફસાવી રૂપિયા પડાવે છે.પોલીસે લોકોને અજાણ્યા સાથેની ઓનલાઈન મિત્રતા અને આવી છેતરપિંડીથી સાવધ રહેવા અપીલ કરી છે. જો કોઈ આવા મામલાનો ભોગ બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
