તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 19th July 2025
અમદાવાદ એરપોર્ટ પર મોટી કાર્યવાહી : શારજાહથી આવેલી મહિલા પાસેથી ₹૪૫ લાખ રોકડ અને કરોડોના ઈલેક્ટ્રોનિક્સ જપ્ત : દાણચોરીનો પર્દાફાશ!
એરપોર્ટ ઇન્ટેલિજન્સ યુનિટની સતર્કતાથી દાણચોરીનો મોટો જથ્થો પકડાયો : કોઈ ડિકલેરેશન નહીં : સુઆયોજિત રેકેટની શંકા સાથે તપાસનો ધમધમાટ શરૂ : ઉલ્હાસનગરની મહિલાની ધરપકડ

અમદાવાદ,: શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સમયાંતરે સોના સહિતની દાણચોરી ઝડપાતી રહે છે, ત્યારે ફરી એકવાર એરપોર્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ મોટી કાર્યવાહી કરી છે. શારજાહથી અમદાવાદ આવેલી એક મહિલા મુસાફર પાસેથી ₹૪૫ લાખની બિનહિસાબી રોકડ અને કરોડો રૂપિયાના મૂલ્યના અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેણે દાણચોરીના નેટવર્કના નવા આયામો ખોલ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, એરપોર્ટ ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓને શારજાહથી અમદાવાદ આવી રહેલી એક મહિલા મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતા તેને રોકી હતી. સઘન પૂછપરછ અને સામાનની તપાસ કરતાં, અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મહિલાના કબજામાંથી 'આઇફોન', 'એપલ વૉચ', 'પ્રીમિયમ લેપટોપ' અને 'હાઇ વેલ્યૂ ડિવાઇસ કેસ' સહિતના દાણચોરી કરાયેલા ઇલેક્ટ્રોનિક્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ તમામ મોંઘી વસ્તુઓ માટે કસ્ટમ્સમાં કોઈ પણ પ્રકારનું ડિકલેરેશન કરવામાં આવ્યું નહોતું.
આ ઇલેક્ટ્રોનિક્સની સાથે સાથે, એરપોર્ટ ઇન્ટેલિજન્સ યુનિટને મહિલા પાસેથી ₹૪૫ લાખ રોકડા પણ મળી આવ્યા હતા, જેનો પણ કોઈ કાયદેસરનો હિસાબ તેની પાસે નહોતો. મહારાષ્ટ્રના ઉલ્હાસનગરની રહેવાસી તરીકે ઓળખાયેલી આ મહિલાને તાત્કાલિક અટકાયતમાં લેવામાં આવી હતી અને તેની પાસેથી મળી આવેલો ઇલેક્ટ્રોનિક્સ તથા રોકડ સહિતનો સમગ્ર જથ્થો કાયદેસરની કાર્યવાહી હેઠળ જપ્ત કરી લેવામાં આવ્યો છે.
એરપોર્ટ ઇન્ટેલિજન્સ યુનિટના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, "આ એક સુઆયોજિત દાણચોરી ઓપરેશન દર્શાવે છે. મુસાફર પાસે આટલી મોટી માત્રામાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ કે રોકડ માટે કોઈ ડિકલેરેશન નહોતું." તેમણે ઉમેર્યું કે, આ નેટવર્કમાં એરપોર્ટના અન્ય અધિકારીઓ, કોઈ દાણચોરી સિન્ડિકેટ કે અન્ય સાથીદારો સંડોવાયેલા છે કે કેમ, તેમજ દાણચોરી કરાયેલી આ વસ્તુઓ અને રોકડ કોને આપવાની હતી તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. આ તપાસ આગામી દિવસોમાં દાણચોરીના આંતરરાષ્ટ્રીય રેકેટના વધુ મોટા ખુલાસા લાવી શકે છે.
(10:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
