<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th July 2025

ભરૂચના કુકરવાડામાં વીજ કંપનીએ મહિને 12 હજાર કમાતા સફાઈ કર્મીને રૂ. 80 લાખનું બિલ ફટકાર્યું !

આ સમગ્ર ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચાલી રહેલા સ્માર્ટમીટરના વિરોધની આગમાં ઘી નાંખવાનું કામ કર્યું

ભરૂચ જિલ્લામાં સ્માર્ટ મીટરો લગાવવાની પ્રક્રિયા ભારે વિવાદમાં રહી છે. અનેક સોસાયટીઓમાં રહીસોએ GEB દ્વારા જબરદસ્તીથી સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા હોવાનો તેમજ સ્માર્ટ મીટરથી વધારે લાઈટ બિલ આવતું હોવાનો આક્ષેપ કરીને વિરોધ કરી રહ્યાં છે. એવામાં કુકરવાડા ગામમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

હકીકતમાં કુકરવાડા ગામની નવી નગરીમાં રહેતા બુધાભાઈ વસાવા ખાનગી કંપનીમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરીને મહિને માંડ 12 હજાર રૂપિયા કમાય છે. જેમને વીજ વિભાગ તરફથી 80 લાખ રૂપિયાનું વીજ બિલ મળ્યું હતુ. આટલો મોટો આંકડો જોઈને તેમનો પરિવાર હેબતાઈ ગયો હતો.

આખરે બુધાભાઈએ GEB ઑફિસનો સંપર્ક સાધ્યો હતો. જ્યાં તપાસમાં સામે આવ્યું કે, ટેક્નિકલ ભૂલના કારણે બિલમાં વધારે રકમ આવી ગઈ છે. જે બાદ વીજ વિભાગ દ્વારા નવું બિલ 1400ની કરીને આપ્યું હતુ.

આ સમગ્ર ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચાલી રહેલા સ્માર્ટમીટરના વિરોધની આગમાં ઘી નાંખવાનું કામ કર્યું છે. લોકોમાં રોષ છે કે, અમને પણ ગમે ત્યારે આટલું મોટું બિલ આવી શકે છે. લોકોની એક જ માંગ છે કે, GEB મીટર લગાડતા પહેલા પુરતી તપાસ કરે.

(12:58 AM IST)