<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

શહેરમાં છેલ્‍લા ૧પ દિવસમાં શાકભાજીમાં ૩૦ ટકા સુધીનો ભાવ વધારો ! :જુઓ સંપૂર્ણ યાદી

અતિવૃષ્ટિ, ખરાબ રોડ અને શાકભાજીના પાકના નુકસાનને કારણે ભાવ વધ્‍યા :ગરીબ, મધ્‍યમ વર્ગ પરિવારને ભોજનની શાકભાજી પીરસવી પણ મુશ્‍કેલ

અમદાવાદ તા.૨૧: શહેરમાં હાલ વિવિધ શાકભાજીના છૂટક ભાવમાં ૩૦ ટકા સુધીનો ભારે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ૪૦ થી લઇને ૧૬૦ રૂપિયે કિલો સુધી વિવિધ શાકભાજીના ભાવ પહોંચી ગયા છે. છેલ્‍લા પંદર દિવસમાં જ શાકભાજી માર્કેટનું ભાવતાલનું માળખું ખોરવાઈ જતા હાલ મધ્‍યમ વર્ગ માટે પરિવારના સભ્‍યો માટે બે ટંક શાકભાજી ભોજનની થાળીમાં પીરસવી આર્થિક રીતે મુશ્‍કેલ પુરવાર થઈ રહ્યું છે. વિવિધ શાકભાજીના ભાવ વધી જતા શહેરભરમાં આવેલા છૂટક શાકમાર્કેટોમાં માર્ગ અને પુરવઠાનો નિયમ લાગુ કરીને વિસ્‍તાર પ્રમાણે મનફાવે તેવા ભાવ વસૂલીને ઉથાડી લૂંટ ચલાવવામાં આવી રહી હોવાની લાગણી ગ્રાહકો અનુભવી રહ્યા છે.

શાકભાજીના ભાવ વધારાના કારણોમાં કેટલાંક રાજ્‍યો અને વિસ્‍તારોમાં અતિવૃષ્ટિને વેપારીઓ જવાબદાર માની રહ્યા છે. ખેતરોમાં પાણી ભરાવાથી શાકભાજીના પાકને નુકસાન થતાં આવકો ઘટી રહી છે. વરસાદથી રસ્‍તાઓની ખરાબ હાલત અને પુરની પરિસ્‍થિતિ વચ્‍ચે સપ્‍લાય ચેઇન ખોરવાઈ જતા દિવસો સુધી માલ ગંતવ્‍ય સ્‍થાને પહોંચી રહ્યો નથી. શાકમાર્કેટ સુધી ખેડૂતોએ માલ લઈને આવવામાં વરસાદથી પાક વધુ બગડી રહ્યો છે. જેથી ખેડૂતોને ગુણવત્તા પ્રમાણે સારા ભાવ મળી રહ્યા નથી તો બીજી બાજુ શાકભાજી બજારની વર્તમાન સ્‍થિતિનો લાભ લઈને દલાલો અને હોલસેલરો વધુ ભાવે માલ વેચી રહ્યા છે. જેની સીધી અસર સામાન્‍ય સાહકો પર પડી રહી છે.

અમદાવાદમાં અમરાઈવાડી, બાપુનગર, કઠવાડા, નરોડા, નિકોલ, રખિયાલ, જમાલપુર, કાલુપુર, સરસપુર, ગોતા, થલતેજ, વેજલપુર, સેટેલાઈટ, વાસણા, સરખેજ, બોપલ સહિતના વિસ્‍તારમાં આવેલા શાકભાજીના છૂટક બજારમાં જુદાજુદા અને મો માંગ્‍યા ભાવ શાકભાજીના વસુલવામાં આવી રહ્યા છે. (૩૮.૩)

(9:36 AM IST)