News of Monday, 21st July 2025
સરકીટ હાઉસોને PPP ધોરણે ચલાવવા તૈયારી
રાજય સરકારની ખાનગી ભાગીદારી તરફ દોટઃ ટેન્ડર પ્રક્રિયાનો ધમધમાટ : સૌ પ્રથમ સોમનાથ-દ્વારકા અને અંબાજીના સરકીટ હાઉસને હોટલની જેમ વિકસાવાશે : બીજા તબક્કામાં રાજકોટ સહિતના મહાનગરોના સરકીટ હાઉસનો સમાવેશ

(અશ્વીન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા., ર૧ : રાજય સરકાર રાજયના વિવિધ શહેરોમાં આવેલા સરકીટ હાઉસોને પી.પી.પી. ધોરણે ચલાવવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. એટલે કે તેના સંચાલનમાં ખાનગી ભાગીદારી સામેલ છે.
તાજેતરમાં રાજય સરકારના માર્ગ અને મકાન વિભાગે રાજયના સરકીટ હાઉસો અંગે ખુબ જ મોટી સુચના જારી કરી છે. જેમાં કેટલીક બાબતો ખુબ જ મોટી છે.
રાજય સરકારે આ બહાર પાડેલ સુચના તરફ નજર કરીએ તો પ્રથમ સોમનાથ, દ્વારકા અને અંબાજી પેકેજ કરી પી.પી.પી. ધોરણે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા સુચના આપવામાં આવી છે. જેમાં આ ત્રણ સરકીટ હાઉસને હોટલની જેમ સંચાલન કરવાની ખાનગી એજન્સીઓને નિયુકત કરવા અને એજન્સીના હાઉસસ્કીપીંગ તથા કેટરીંગ સર્વિસનું સંચાલન આગામી ૧૦ વર્ષ માટે આપવા માટે ટેન્ડરની શરતો નક્કી કરવી.
રાજયના પ્રવાસન વિભાગ દ્વારા આગામી સમયમાં તાજ ફર્ન તથા મેરીયોટ હોટલના મેનેજરશ્રીઓ સાથે મીટીંગ કરવામાં આવનાર હોઇ માર્ગ અને મકાન વિભાગને સંકલન કરી સંયુકત રીતે મીટીંગમાં હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.
આ ત્રણ સરકીટ હાઉસમાં સ્થાનિકો તેમજ જમવાની વ્યવસ્થાનો લાભ લઇ શકે તે માટે યોગ્ય શરતનો ટેન્ડરમાં સમાવેશ કરવા જણાવવામાં આવ્યું છે.
આ સરકીટ હાઉસમાં સરકારી અધિકારીશ્રીઓ માટે હાલમાં સૂચવેલ નિયત સંખ્યાના રૂમને બદલે આખા વર્ષની જરૂરીયાત ધ્યાને લઇ તે મુજબની સંખ્યાના રૂમાં વાર્ષિક ધોરણે રીઝર્વ રાખવા માટેની વિચારણા કરી આ અંગેની જરૂરી શરતો રાખવામાં આવી છે.
રાજય સરકારે વિચારણા હેઠળના સરકીટ હાઉસમાં આરક્ષણ મેળવવા માટે સરકારશ્રીના સક્ષમ કક્ષાએથી બે દિવસ અગાઉ જાણ કરવામાં આવે તો સરકારી ધોરણે બુકિંગ કરી શકાશે જે એક દિવસ અથવા ર૪ કલાક પહેલા જાણ કરવા આવે તો માર્કટ રેટ એજન્સી દ્વારા રાખવામાં આવશે આમ આરક્ષણને પ્રાથમિકતા મળે તે રીતે સૂચના આપવામાં આવી છે.
રાજય સરકારે પ્રથમ ફેઝમાં સોમનાથ, દ્વારકા અને અંબાજી સરકીટ હાઉસ ઉપરાંત ફેઝ-ર માં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર તથા જુનાગઢને પી. પી. પી. ધોરણે ચલાવવાની સૈધ્ધાંતિક મંજૂરી પ્રદાન કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
આ કામગીરી માટે કેટલી શરતો બહાર પાડી છે. જેમાં અતિથિગૃહ-વિશ્રામ ગૃહને પી. પી. પી. ધોરણે ચલવવા સત્વરે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવી તથા સક્ષમ કક્ષાએથી મંજૂરીઓ મેળવવાના રહેશે. આમ હવે ટૂંક સમયમાં ટેન્ડરો બહાર પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
પ્રથમ ફેઝના પેકેજમાં લાયકાતના ધોરણે ૪ સ્ટાર કે પ સ્ટાર, સમક્ષ રાખવા ઓછામાં ઓછી ર૦ ખાનગી પ્રોપર્ટીના સંચાલનનો અનુભવ સુબલેટ એજન્સીને મંજૂરી ન આપવા શરત રાખવા જણાવવામાં આવ્યું છે.
ફેઝ-ર માં હવે કુલ ૬ સરકીટ હાઉસ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જુનાગઢ તેમજ કેવડીયા માટે ૩ વર્ષ માટે ગરબી ગુજરાત ભવનની પધ્ધતિથી ટેન્ડર બહાર પાડવા જણાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત રસોડુ, હાઉસ કીપીંગ સાથેનું ટેન્ડર પેકેજ સ્વરૂપે બહાર પાડવા અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવા જણાવવામાં આવ્યું છે.
આ તમામ કામગીરી નકકી કરવા તા. ૧-૭-રપ ના રોજ મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકારશ્રી હસમુખભાઇ અઢીયા તેમજ શ્રી એસ. એસ. રાઠોડ, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી અવંતિકા સિંઘ, ગુજરાત પ્રવાસન વિભાગના સચિવશ્રી તથા માર્ગ અને મકાન વિભાગના સચિવશ્રી ઉપસ્થિત રહેલ હતાં. આ સમીક્ષા બેઠકમાં વ્યવસ્થા પન પધ્ધતિ બાબતે ટેન્ડર પ્રક્રિયા અંગે જરૂરી સૂચના આપવા ઠરાવવામાં આવ્યું છે.
તાજેતરમાં રાજકોટ, અમદાવાદ એનેક્ષીના મેનેજરો ઉપરાંત માર્ગ અને મકાન વિભાગના નાયબ સચિવ અને ઉપસચિવની એક ટીમ નવી દિલ્હી ખાતે ગુજરાત ભવનની મુલાકાત લઇ ત્યાંની પધ્ધતિનો અભ્યાસ કરી તે મુજબ વિચારણા કરી અહેવાલ આપ્યા બાદ આ નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
