<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

ગંભીરા બ્રિજ દુર્ઘટનાના 12 દિવસ પુરા : લાપતા વિક્રમસિંહ પઢીયારનો મૃતદેહ મળ્યો નથી : ટેન્કર હજુ લટકી રહ્યું છે

બ્રિજ પર લટકતું ટેન્કર કાઢી આપવા ટેન્કરચાલક અને માલિક તંત્રને આજીજી કરી રહ્યા છે. આણંદ, વડોદરા અને પાદરા મામલતદાર પાસે ટેન્કર કાઢી આપવા ધક્કા ખાઈ રહ્યા છે

વડોદરા: મુંજપુરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજે 12 દિવસ પૂર્ણ થયા છે. ત્યારે હજુ સુધી દુર્ઘટનામાં લાપતા થયેલા વિક્રમસિંહ પઢીયારનો મૃતદેહ મળ્યો નથી. 12 દિવસ પછી પણ બ્રિજ પર લટકી રહેલ ટેન્કર હટાવવામાં આવ્યું નથી.

ટેન્કરના ડ્રાઇવર રવિન્દ્રકુમાર અમદાવાદ માલ ખાલી કરાવી ખાલી ટેન્કર લઇ ગંભીરા બ્રિજ પરથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે દુર્ઘટના બની હતી. જોકે ગંભીરા બ્રિજ પર લટકી રહેલી ટેન્કરના ડ્રાઇવર રવિન્દ્ર કુમારનો આબાદ બચાવ થયો હતો. વહેલી તકે બ્રિજ પર લટકતું ટેન્કર કાઢી આપવા ટેન્કરચાલક અને માલિક તંત્રને આજીજી કરી રહ્યા છે. આણંદ, વડોદરા અને પાદરા મામલતદાર પાસે ટેન્કર કાઢી આપવા ધક્કા ખાઈ રહ્યા છે.

તંત્રના સંકલનના અભાવના કારણે ટેન્કર માલિક આણંદ, વડોદરા અને પાદરા મામલતદાર કચેરીમાં ધક્કા ખાઈ રહ્યા છે. વારંવાર તંત્રને રજૂઆત બાદ પણ કોઇ સંતોષકારક જવાબ મળતો નથી. આણંદ, વડોદરા અને પાદરા મામલતદાર કચેરી બધા એકબીજા ઉપર ઢોળી રહ્યાં છે.

 

(1:35 PM IST)