News of Monday, 21st July 2025
અમદાવાદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામ વિકાસથી વંચિત
રસ્તા, પાણી, ગટર જેવી પ્રાથમિક સુવિધાથી વંચિતઃ૨૦૦૫-૦૬માં ભળેલા ગામમાં વિકાસના નામે મીંડું છે વિકાસના નામે જરા પણ સુવિધા નથી

અમદાવાદ,તા.૨૧
અમદાવાદઃ રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એવા અમદાવાદમાં કુલ ૪૮ જેટલા વોર્ડ આવેલા છે. ૪૮ વોર્ડની મહાનગરપાલિકામાં મકતમપુરા વોર્ડમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના કેટલાય ગામોનો સમાવેશ થાય છે. જે અંતર્ગતની વાત કરીએ તો ૨૦૦૫-૦૬ની સાલમાં મક્કમપુરા વોર્ડમાં બાકરોલ ગામનો સમાવેશ થયો હતો. આ બાકરોલ ગામ એટલે કે અમદાવાદથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે. દસકોઈ તાલુકાનું ગામ આજે એટલા માટે આ ગામની વાત કરીએ છીએ કારણ કે ૨૦૦૫-૦૬માં ભળેલા ગામમાં વિકાસના નામે મીંડું છે. વિકાસના નામે જરા પણ સુવિધા નથી. જેના કારણે સ્થાનિકોને પરેશાનીનો સામનો કરવાની નોબત આવે છે.
ગામના સ્થાનિકોનું કહેવું છે કે, અમે અમદાવાદ મહાનગરપાલિકામાં જ્યારથી અમારું ગામ આવ્યું છે. ત્યારથી અમે પાણી વેરો ભરીએ છીએ. પરંતુ આજ દિવસ સુધી શુદ્ધ પીવાનું પાણી અમારા ગામમાં મળતું નથી. અમારા ગામમાં જે બોરમાં પાણી આવે છે તે પાણીમાં પણ ૧૨૦૦ ટીડીએસ વાળું છે. આ બોરનું પાણી પીવા માટે અમારે મજબૂર બનવું પડે છે. કેમકે ક્યારેક લાઈટના અભાવે બોર બંધ પડે ત્યારે ગ્રામજનોને ગામના અવાડામાંથી પાણી લેવાની નોબત આવી રહી છે. જેના કારણે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે.
એવું નથી કે ગામની અંદર ફક્ત પાણીની સમસ્યા છે. પરંતુ ગામના રોડ રસ્તા પણ ઠેકાણા વગરના છે. ઠેર ઠેર કાદવ કીચડ સાથે રોડ રસ્તામાં ખાડા પડી ચૂક્યા છે. ગામ લોકો સુવિધા અંતર્ગત અને રોડ રસ્તામાં પડેલા ખાડા માટે મનપાને અનેક રજૂઆતો કરી કરીને થાકી ગયા છે. પરંતુ આજ દિવસ સુધી રોડ રસ્તામાં પડેલા ખાડા, રોડ રસ્તામાં ભરાયેલું પાણીનું નિરાકરણ આવતું નથી. હવે તો ગામ લોકો પણ રજૂઆત કરીને થાકી ચૂક્યા હોવાની વાત કહી રહ્યા છે.
આમ તો બાકરોલ ગામની વાત કરીએ તો સમગ્ર ગામમાં ૬૦૦ ઘર આવેલા છે. આ ૬૦૦એ ઘર ગામની અંદર ટેક્સ ભરે છે. આખા ગામમાં ૩૦૦૦ લોકો વસવાટ કરે છે. પરંતુ સુવિધાના અભાવે ગામ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી રહી છે. ગ્રામજનોને પૂરતી સુવિધા ન મળવાના કારણે ગ્રામજનોએ કોર્પોરેટર, સ્થાનિક ધારાસભ્ય, સાંસદસભ્ય તેમજ મુખ્યમંત્રી સુધીની રજૂઆત કરી છે. છતાં પણ નિરાકરણ નથી આવતું તેમ જણાવી રહ્યા છે.
આજે આખા ગામમાં ફરો એટલે રોડ રસ્તાની સાથે આરોગ્ય કેન્દ્રમાં પણ પૂરતી સુવિધા નથી. ગટર પાણીની પણ સુવિધા નથી. મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામની વાત કરીએ તો ગામની અંદર જાણે લાઈટ તો નામની આવતી હોય તેમ ગ્રામજનોનું કહેવું છે. વીજળીનો મોટાભાગમાં કાપ રહે છે.
એવું નથી કે ગ્રામજનોને રોડ રસ્તા પાણી જેવી પ્રાથમિક સુવિધાના કારણે ત્રસ્ત છે. પરંતુ ગામમાં ક્યારેક કોઈનું અવસાન થાય તો તેને સ્મશાનમાં લઈ જવા માટે પણ અગવડ પડે છે. કારણ કે ગામમાં જ સ્મશાન આવેલું છે તે સ્મશાન પણ ખખડધજ અવસ્થામાં છે. મૃતકને તેમાં અગ્નિસંસ્કાર પણ ન દેવાય તે પ્રકારની સ્થિતિમાં છે. ગામ લોકોએ સ્મશાન રિપેર માટેની પણ માંગણી કરી છે. પરંતુ ગ્રામજનોની સ્મશાનની માંગણી સ્વીકારવામાં ન આવતા ના કારણે તાજેતરમાં ગામમાં જે વ્યક્તિનું અવસાન થયું તેને અગ્નિસંસ્કાર કરવાના બદલે તેની દફનવિધિ કરવાની નોબત આવી હતી.
આમ તો ૨૦૦૫-૦૬ ની સાલમાં ગામ અમદાવાદ મહાનગરપાલિકામાં ભળ્યું પરંતુ તે સમયગાળામાં ગ્રામજનોનું કહેવું છે કે, અમદાવાદ ફરતે જ રીંગરોડ આવેલો છે તેમાં ગામની ૪૦% ખેતીલાયક જમીન રિંગ રોડ માટે ખેડૂતોએ ફાળવી હતી. ગ્રામજનોએ વિકાસમાં સહયોગ આપવા માટે આગળ આવ્યા પરંતુ રીંગરોડના વિકાસ માટે સહયોગ આપનાર લોકો આજે પોતાના ગામમાં વિકાસ ઝંખી રહ્યા છે.
આમ ગ્રામજનો રોડ રસ્તા, લાઈટ, ગટર, પીવાના પાણી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સ્મશાન સહિતની પ્રાથમિક સુવિધાના અભાવના કારણે મેગાસિટીમાં ભળ્યા છતાં સંઘર્ષ કરવાની નોબત આવી રહી છે. હવે રજૂઆતો કરીને થાકેલું ગામ સુવિધા મળશે કે કેમ તે અંગે પ્રશ્ન કરી રહ્યું છે. ત્યારે આશા રાખીએ કે તંત્ર ગ્રામજનોની સમસ્યા સાંભળે, નિરાકરણ લાવે, વિકાસમાં સહયોગ બનેલા ગામને વિકાસ પૂરો પાડે.
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
