<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

રાજ્‍યભરમાં મેઘરાજાની અવિરત મહેર..પૂર્વ અને મધ્‍ય ગુજરાતમાં ૫ ઇંચ ઉત્તર ગુજરાતમાં ૨.૫ ઇંચ દક્ષિણ ગુજરાતમાં ૨ ઇંચ તો કચ્‍છ પંથકમાં ઝાપટા

આજે સવારથી દક્ષિણ ગુજરાત પંથકમાં મેઘો ઓળઘોળઃ ઉકાઇ ડેમની જળસપાટી ૩૨૫.૭૫ ફૂટે મધુવન ડેમના ૨ દરવાજા ખુલ્‍લા

(જીતેન્‍દ્ર રૂપારેલિયા)વાપીઃ ચોમાસાની આ સીઝનમાં મેઘરાજા વનડે બેટિગ કરી રહ્યા છે ગુજરાતના તમામ વિસ્‍તારોમાં વારા ફરતી વારા ન્‍યાય કરતા હોય તેમ જણાય છે.

દક્ષિણ ગુજરાત હોય કે હોય સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત હોય કે હોય મધ્‍ય ગુજરાતમાં કે પછી કચ્‍છ પંથક હોય મેઘરાજા જાણે કોઈને અન્‍યાય ના થાય તેવા ટાર્ગેટ સાથે શરૂવાત થી જ વરસી રહ્યા છે, છેલ્‍લા ૨૪ કલાકમાં પૂર્વ અને મધ્‍ય ગુજરાતમાં ૫ ઇંચ, ઉત્તર ગુજરાતમાં ૨.૫ ઇંચ, દક્ષિણ ગુજરાતમાં ૨ ઇંચ વરસાદ નોંધાયો છે તો કરછ પંથકમાં માત્ર ઝાપટા નોંધાયા છે.

સુરત પંથકના ઉકાઇ ડેમની જળસપાટી આજે સવારે ૮ કલાકે ૩૨૫.૭૩ ફૂટે પહોંચી છે જ્‍યારે દક્ષિણ ગુજરાતના છેવાડા ના દમણગંગા નદીના મધુવન ડેમની જળસપાટી આજે સવારે ૮ કલાકે ૭૧.૬૫ મીટરે પહોંચી છે, ડેમના ૨ દરવાજા ૦.૪૦ મીટર ખુલ્‍લા છે ડેમમાં ૪૧૮૪ ક્‍યુસેક પાણીના ઈન્‍ફલો સામે ૩૮૧૪ ક્‍યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે, આજે સવાર થી મેઘરાજા દક્ષિણ ગુજરાત પંથક માં હેત વરસાવી રહ્યા છે.

ફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્‍લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો ખેડા જિલ્‍લાના કપડવંજ તાલુકામાં ૧૨૧ મીમી, સાબરકાંઠા જિલ્‍લાના તલોદ તાલુકામાં ૬૮ મીમી, નવસારી અને વિસનગર ૫૨ મીમી, દાંતીવાડા ૪૫ મીમી, અંકલેશ્વર ૪૪ મીમી, ઉમરગામ ૪૨ મીમી, જલાલપોર ૩૭ મીમી, શિનોર ૩૬ મીમી, બાલાસિનોર ૩૩ મીમી, પ્રાંતિજ ૩૧ મીમી વરસાદ નોંધાયો છે.

પલસાણા ૨૯ મીમી, ડીસા ૨૭ મીમી, ભિલોડા ૨૬ મીમી, અને ઝઘડિયા ૨૫ મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્‍ય ના ૧૧૧ તાલુકાઓમાં ૧ થી ૨૪ મીમી સુધી નો હળવો વરસાદ નોંધાયો છે, આ લખાઈ રહ્યું છે ત્‍યારે મેઘરાજા દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, તાપી અને વલસાડ જિલ્‍લામાં હેત વરસાવી રહ્યા છે.

 

(11:48 AM IST)