<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

સુરતના પાંડેસરામાં અસામાજીક તત્વોનો આતંક : ત્રણ જેટલા લોકો પર જાહેરમાં ચપ્પુથી હુમલો : એક યુવાનનું કરૂણમોત

આરોપી બદ્રીનારાયણ ઉર્ફે બદ્રી શ્રીરામ ગીતે, અમિત ગુપ્તા અને સુશાંત પાનીગ્રાહીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સુરતના પાંડેસરા વિસ્તારમાં રાત્રે 8 વાગ્યે રોડ પર ભાઈને મુકવા માટે જવાની તૈયારી કરી રહેલા બે પિતરાઈ ભાઈ અને બનેવી પર ચપ્પુથી માથાભારે ઈસમોએ હુમલો કર્યો હતો. ત્રણ જેટલા ઈસમો દ્વારા ચપ્પુના ચાર જેટલા ઘા મારી દેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલ તો આ મામલે પાંડેસરા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ કરવામાં આવી રહી છે. 

સૂરતમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. પોલીસનો કોઈ ખોફના હોય તેમ ત્રણ જેટલા ઈસમને સરાજાહેર ચપ્પુ મારી દીધા હતા. જેમાં મિતું નામના એક યુવકનું મોત થયું હતું. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા લક્ષ્મી નગરમાં 34 વર્ષીય મીતુ કેદારભાઈ પ્રધાન પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની, ભાઈ ભાભી છે. મીતુ સંચા ખાતામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મીતુનો ભાઈ બીટ્ટાસાહબ પ્રધાન વતન જતો હોવાથી ગત રોજ રાત્રે મીતુ, તેનો પિતરાઈ ભાઈ કિશન અને બનેવી સંતોષ સામાન મુકવા માટે ઘર નજીક ઉભા હતા. ત્યારે બદ્રી નામનો એક માથાભારે ઈસમ જે પાંડેસરા વિસ્તારમાં રહે છે. તે કેટલાક  ઇસમો સાથે ધસી આવ્યો હતો. કિશન અને મિતુ ને પહેલા બે તમાચા માર્યા હતા. ત્યારબાદ તેને પૂછ્યું હતું કે શા માટે માર મારી રહ્યો છે તો અચાનક જ ઉશ્કેરાઈ ગયો હતો. બદરી એ પોતાની પાસે રહેલા મોટા ચપ્પુ વડે પહેલા મિતુ ને ચાર જેટલા ઘા પેટના ભાગે માર્યા હતા. તેને બચાવવા પડેલા બનેવી સંતોષને પણ ત્રણ જેટલા ઘા પેટના ભાગે માર્યા હતા. આ સાથે જ કિશનને પણ હાથ પર એક ઘા આવ્યો હતો. મિતુને પેટના ભાગે ચાર જેટલા ઘા મારવામાં આવતા આંતરડા પણ બહાર આવી ગયા હતા. આ સાથે જ સંતોષને પણ ગંભીર ઇજા પહોંચી હતી. બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં મીતુનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જ્યારે સંતોષ હજુ પણ ખાનગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપી ને ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલા આરોપી બદ્રીનારાયણ ઉર્ફે બદ્રીએ તેના મિત્રો સુશાંત પાનીગ્રાહી અને અમીત ઉર્ફે બઉવા ગુપ્તાએ સાથે મળી હુમલો કર્યો હતો. બદ્રીએ કહ્યું હતું કે, તારા ભાઇ નંદને મારી ભાણીને અગાઉ ખુબ હેરાન કરેલ છે. આજે તમને છોડીશ નહિ. આરોપી બદ્રી એકદમ ગુસ્સે થઇ કમરના ભાગેથી ચપ્પુ કાઢી હુમલો કર્યો હતો. જેમાં મીતુનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે સંતોષ પુલાઇની સારવાર ચાલી રહી છે. 

પોલીસે આરોપીને પકડવા માટે અલગ અલગ ચાર ટીમો બનાવી આરોપીના ફેમિલી હિસ્ટ્રી, તેમના મિત્રો, તેમના ચાલુ મોબાઇલ ફોન નંબરોની માહિતી મળવી તેનુ ટેકનીકલ એનાલીસીસ કરી આરોપીઓની શોધખોળ કરી હતી. આરોપી બદ્રીનારાયણ ઉર્ફે બદ્રી શ્રીરામ ગીતે, અમિત ગુપ્તા અને સુશાંત પાનીગ્રાહીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(8:09 PM IST)