હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વાપીના ચકચારી ડબલ મર્ડર કેસમાં પોલીસને મોટી સફળતા : વલસાડ એલસીબી પોલીસે વોન્ટેડ આર્મી જવાનને દબોચ્યો
નંબર વગરના બાઈક પર આવેલા હત્યારાઓએ ઘરની બહાર રોકાઈ એક હત્યારાએ પિસ્તોલ લઇ ઘરમાં ઘૂસી ટીવી જોઈ રહેલી બંને મહિલાઓ પર અંધાધૂંધ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા

વર્ષ 2020 માં ઔદ્યોગિક નગરી વાપીના ચાણોદ કોલોની વિસ્તારમાં થયેલ ચકચારી ડબલ મર્ડરના મામલે પોલીસને મોટી સફળતા મળી છે. 6 વર્ષ બાદ વલસાડ એલ.સી. બી પોલીસે આ ડબલ મર્ડર મામલે વોન્ટેડ આર્મીના એક જવાનની ધરપકડ કરવામાં સફળતા મળી છે.
વાપીના ચણોદ કોલોની વિસ્તારમાં વર્ષ 2020ની 11મી જાન્યુઆરીની રાત્રે ઘરમાં ટીવી જોઈ રહેલી બે મહિલાઓ રેખા મહંતો અને તેની મિત્ર અનિતા ખસડેની ફાયરિંગ કરીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ વલસાડ જિલ્લા પોલીસવડા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને મહિલાઓની હત્યા કરવા આવેલા હત્યારાઓ નંબર વગરના બાઈકમાં આવ્યા હતા. બાઈક પર આવેલા હત્યારાઓએ ઘરની બહાર રોકાઈ એક હત્યારાએ પિસ્તોલ લઇ ઘરમાં ઘૂસી ટીવી જોઈ રહેલી બંને મહિલાઓ પર અંધાધૂંધ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. અનેક ગોળીઓથી શરીર વીંધાઈ જતા બંને મહિલાઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
બે મહિલાઓની હત્યાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. જોકે ત્યાર બાદ પોલીસે તપાસ કરતા આ હત્યા કાંડમાં મૃતક મહિલા રેખા મહંતોનો પુત્ર અને આ કેસનો ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો. આ મામલે વાપી પોલીસે મૃતકના રેખા મહંતોનો પુત્ર બિપિન મહંતો અને તેના મિત્ર કુંદન ગિરી નામના બે આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે આ મહિલાઓની હત્યા નીપજાવનાર મુખ્ય આરોપી પંકજકુમાર રામદેવ પ્રસાદ શાહ વોન્ટેડ હતો. આખરે છ વર્ષ બાદ વલસાડ જિલ્લા એલસીબી પોલીસે આ હત્યા કેસના મોસ્ટ વોન્ટેડ શાર્પ શૂટર આરોપી પંકજકુમાર રામદેવ પ્રસાદ શાહની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે.
જે તે વખતે આ કેસમાં પુત્ર બિપિન અને કુંદન નામના આરોપીઓની ધરપકડ થઈ હતી. જોકે મુખ્ય શાર્પ શૂટર પંકજકુમાર શાહ ફરાર હતો. આખરે વલસાડ એલસીબી પોલીસે 6 વર્ષે પણ તેનો પીછો ન છોડયો અને જયપુર નજીકથી તેની ધરપકડ કરી છે. ઝડપાયેલો આરોપી પંકજકુમાર શાહ આર્મી જવાન છે. જે જમ્મુ કાશ્મીરમાં આર્મીના ટેકનિકલ જવાન તરીકે ફરજ બજાવતો હતો અને તેણે જ અઢી લાખમાં સોપારી લઈ આ મહિલાઓની હત્યા કરી ફરાર થઈ ગયો હતો.
આમ વર્ષ 2020 માં થયેલા ડબલ મર્ડરના ચકચારિત ઘટનામાં આખરી છ વર્ષે પણ પોલીસે મુખ્ય આરોપીનો પીછો ના છોડ્યો અને આર્મીમાં ફરજ બજાવતા જવાને પણ પોતે કરેલા પાપોનો હિસાબ ચૂકવવા આખરે પોલીસ પાંજરે પુરાવાનો વારો આવ્યો છે. આ ઘટનામાં ચોકાવનારી બાબત એ છે કે એક આર્મીના જવાને ચાલુ નોકરીએ હત્યાની સોપારી લીધી હતી અને એક મહિલાની હત્યા કરવા આવેલ આરોપીએ ડબલ મર્ડર કરી ફરાર થઈ ગયો હતો. આમ ડબલ મર્ડર જેવા જઘન્ય અપરાધ બાદ પણ આરોપી આર્મી જવાન આર્મીમાં નોકરી કરી રહ્યો હતો. જોકે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ઓપરેશન હન્ટ અંતર્ગત આ ફરાર આર્મી જવાનને ઝડપીને જેલના સળિયા ભેગો કરી દીધો છે. અને એક આર્મી જવાનની હત્યાના મામલે ધરપકડ કરી મૃતક મહિલાઓને ન્યાય અપાવ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
