<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

ગુજરાત પોલીસની સાયબર ક્રાઈમ સેલની ચેતવણી : "ખોટા ઈ-ચલણ"ના નામે વધતા ફ્રોડથી સાવધાન! : ફ્રોડથી બચવા માટે સાયબર સેલે આપ્યા મહત્વના પગલાં

નકલી RTO E-Challan એપ્લિકેશન દ્વારા વ્યક્તિગત ડેટા ચોરીના કિસ્સા વધ્યા : પોલીસ કમિશનરો અને રેન્જ વડાઓને તકેદારી રાખવા અને જનજાગૃતિ ફેલાવવા અપાઈ સૂચના

ગાંધીનગર: ગુજરાતમાં સાયબર ગુનેગારો દ્વારા છેતરપિંડીની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે, જેમાં ખોટા ઈ-ચલણના નામે લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અધિક પોલીસ મહાનિદેશક, સી.આઈ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝની કચેરી, સાયબર ક્રાઈમ સેલ, ગાંધીનગર દ્વારા આ અંગે તમામ પોલીસ કમિશનરો, રેન્જ વડાઓ અને પોલીસ અધિક્ષકોને તાકીદની સૂચનાઓ જારી કરવામાં આવી છે. સ્ટેટ સાયબર ક્રાઈમ સેલના પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા દ્વારા તા. ૧૭/૦૭/૨૦૨૫ ના રોજ જારી કરાયેલી પ્રેસનોટમાં જણાવાયું છે કે, RTO E-Challan અંગેની ફેક એપ્લિકેશન (.apk file) દ્વારા ખોટી ઈ-ચલણની માહિતી મોકલીને લોકોના પર્સનલ ડેટા ચોરવાના કિસ્સાઓ હાલમાં ખુબજ વધી રહ્યા છે, અને NCCRP પોર્ટલ (હેલ્પલાઈન-૧૯૩૦) ઉપર આવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં નોંધાઈ રહ્યા છે.
ફ્રોડથી બચવા માટે સાયબર સેલે આપ્યા મહત્વના પગલાં
સાયબર ક્રાઈમ સેલ દ્વારા આ પ્રકારના ફ્રોડથી બચવા માટે સામાન્ય જનતાને નીચે મુજબના પગલાં લેવા અપીલ કરવામાં આવી છે:
૧. શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવું: તમને SMS, WhatsApp કે Email દ્વારા મોકલાયેલી લિંક જેવી કે 'RTO Challan.apk' કે 'RTO Challan250.apk' જેવી કોઈ પણ શંકાસ્પદ લિંક પર ક્લિક કરવું નહીં. આવી લિંક્સ દ્વારા મેલિશિયસ ફાઈલો તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ શકે છે, જે તમારો અંગત ડેટા ચોરી શકે છે.
૨. ગૂગલ પ્લે પ્રોટેક્ટ ઓન રાખવું: ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને તમારા મોબાઈલમાં ગૂગલ પ્લે પ્રોટેક્ટ (Google Play Protect) સુવિધા ઓન રાખવી. આ સુવિધા શંકાસ્પદ એપ્લિકેશન્સને તમારા ફોનમાં ઇન્સ્ટોલ થતી અટકાવવામાં મદદ કરે છે.
૩. કવચ ૨.૦ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી: તમારા મોબાઈલમાં કવચ ૨.૦ એપ્લિકેશન (Kavach 2.0 Application) ઇન્સ્ટોલ કરવી. આ એપ્લિકેશન આવી મેલિશિયસ ફાઈલોને સ્કેન કરીને તેમને ઇન્સ્ટોલ થવા દેશે નહીં.
સાયબર ક્રાઈમ સેલે તમામ શહેર/જિલ્લા પોલીસ યુનિટને આ અંગે જાહેર જનતાને જાગૃત કરવા અને જરૂરી પગલાં લેવા સૂચના આપી છે. આ પહેલનો મુખ્ય હેતુ ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા જાળવી રાખવાનો અને નિર્દોષ નાગરિકોને છેતરપિંડીનો ભોગ બનતા અટકાવવાનો છે.

(9:46 PM IST)