<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

‘અમૂલ'ના ગુજરાત મોડેલને દેશવ્‍યાપી બનાવાશેઃ અશોક ચૌધરી

ગુજરાત કો.ઓપરેટીવ મિલ્‍ક માર્કેટીંગ ફેડરેશનના નવા સુકાનીની ‘અકિલા' સાથે વાતચીત : નરેન્‍દ્રભાઇ અને અમિતભાઇના આહવાન મુજબ ફેડરેશનની વિકાસ યાત્રા આગળ વધારી દેશભરના ખેડૂતોને લાભ આપવાનો નિર્ધારઃ દૂધ ઉત્‍પાદકો અને ગ્રાહકોના હિત માટે સંતુલિત અભિગમ

રાજકોટ તા. ર૩ : ગુજરાત કો. ઓપરેટીવ મિલ્‍કત માર્કેટીંગ ફેડરેશન (અમૂલ)ના ચેરમેન તરીકે મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન તરીકે રાજકોટ (ગોપાલ) જિલ્લા ડેરીના ચેરમેન શ્રી ગોરધનભાઇ ધામેલિયાની વરણી થઇ છે. બન્નેએ સંસ્‍થાની વિકાસ યાત્રા આગળ વધારવાનો નિર્ધાર વ્‍યકત કર્યો છે.

ચેરમેન શ્રી અશોક ચૌધરીએ આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી અને કેન્‍દ્રીય સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહ સહકારી ક્ષેત્રને સતત પ્રોત્‍સાહન આપી રહ્યા છે. બન્નેની કલ્‍પના મુજબ ફેડરેશનની વિકાસ યાત્રાને વધુ વેગ સાથે આગળ વધારશું. ગુજરાતના ખેડૂતોને જે લાભ મળે છે તે લાભ અમૂલના માધ્‍યમથી દેશભરના ખેડૂતોને મળે તેવો અમારો પ્રયાસ રહેશે. ગુજરાતના સહકારી મોડેલને દેશમાં લાગુ કરવામાં ફેડરેશનનું યોગદાન રહેશે.

ચેરમેનએ વધુમાં જણાવેલી કે દૂધ ઉત્‍પાદકો અને ઉપભોગતાઓ (ગ્રાહકો) બન્નેનું હિત જળવાઇ રહે તે રીતે સંતુલિત કામગીરી કરવામાં આવશે. રાજય અને કેન્‍દ્ર સરકારની કલ્‍પના મુજબ સહકારી ક્ષેત્રના વધુ વિકાસમાં ‘અમૂલ' સૂર પુરાવશે.

 

ડેરીમાં ઐતિહાસિક સિધ્‍ધના સારથી ગોરધનભાઇ ધામેલિયા

સૌરાષ્‍ટ્રના ભાગે પ્રથમ વખત વાઇસ ચેરમેન પદ

રાજકોટ: ગુજરાત કો.ઓ. મિલ્‍ક માકેટીંગ ફેડરેશન લિ. ના ચેરમેન તરીકે ગઇકાલે રાજકોટ જિલ્લા દૂધ ઉત્‍પાદક સંઘ (ડેરી)ના ચેરમેન શ્રી ગોરધનભાઇ ધામેલિયાની વરણી થઇ છે. તેમણે રાજકોટ ડેરીમાં છેલ્લા પ વર્ષમાં કરેલી ઔતિહાસિક કામગીરીની કદર થઇ છે. તેમના કાર્યકાળમાં દૂધની ગુણવતા જળવાઇ રહી છે. વાર્ષિક ટર્નઓવર ૭૭૬ કરોડથી વધીને ૧૧૪ર કરોડ થયુ છે. નફો ૪ કરોડથી ૮૦ કરોડે પહોંચ્‍યો છે. નવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. દૂધનો ખરીદ ભાવ રૂા. ર૦ર પ્રતિ કિલો ફેર સુધી વધાર્યો છે.

(12:43 PM IST)