<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈ-વે પર વડોદરા નજીક ૧૫ કિ.મી. લાં...બો ટ્રાફિકજામ

એક મહિનામાં આજ જગ્યા ઉપર પાંચ વખત ટ્રાફિક જામ સર્જાતા લોકોને પારાવાર મુશ્કેલી:તંત્રના પેટનું પાણી હલતું નથી

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.23 :  વડોદરા નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર આવેલા જાંબુવા બ્રીજ ખાતે બ્રિજ ઉપર ખાડા પડવાના કારણે ગઈકાલ રાતથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે.

ગઈકાલ રાતથી ટ્રાફિક જામ થવાની શરૂઆત થઈ હતી જે ધીમે ધીમે 15 કિ.મી. સુધી ટ્રાફિક જામ થયો હોવાનું જાણવા મળે છે.

આ ટ્રાફિક જામની સ્થિતિથી વાહન ચાલકો બે થી ત્રણ કલાક ફસાઈ ગયા છે આ ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પણ અટવાઈ છે.

વરણામાંથી લઈને છેક તરસાલીથી આગળ સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે રોજીંદી આ સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. 

 આ બ્રિજ ઉપર અવારનવાર ખાડા પુરવાની કામગીરી કરવામાં આવી હોવા છતાં વરસાદના કારણે ફરિવાર ખાડા પડી જતા આ સમસ્યા સર્જાય છે.ખાડા પડવાની આ સમસ્યાનુ કાયમી નિવારણ આવતું ન હોય લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

 ઉલ્લેખનીય છે કે આ જ જગ્યા ઉપર અગાઉ 19 જૂન,26 જૂન,28 જૂન, 29 જૂન અને આજે ફરીવાર ટ્રાફિક જામ થતા 34 દિવસમાં પાંચ વખત ટ્રાફિકજામ થયો છે આ સમસ્યાનો તંત્ર દ્વારા કાયમી ઉકેલ આવે તેવી લોક માગણી છે.

(1:25 PM IST)