News of Wednesday, 23rd July 2025
સુરતના ભટારામાં અસામાજિક તત્વોનો આતંક : ગાંજાની બાતમી આપી હોવાની શંકાએ ગાંજાનો ધંધો કરતા શખ્સે સુનિલ આહીર નામના યુવકને બ્લેડના ધા માર્યા
જો કે, સ્થાનિક લોકોએ હુમલો કરનાર અસામાજિક તત્વને તરત જ પકડી લીધો હતો અને બરાબરનો મેથીપાક ચખાડ્યો : પોલીસ દ્વારા ધરપકડ

સુરત તા.૨૩ : અસામાજિક તત્વોનો આંતક દિવસે ને દિવસે વધતો જતો જાય છે. સુરતના ભટારામાં અસામાજિક તત્વોએ આતંક ફેલાવ્યો છે. જેમાં એક યુવક પર બ્લેડથી હુમલો કરવામાં આવ્યો છે. હુમલાના કારણે યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે.
પ્રાપ્ત વિગત અનુસાર સુરત શહેરના ભટારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. આઝાદનગરમાં ગાંજાની બાતમી આપી હોવાની શંકા રાખી અસામાજિક તત્વોએ યુવક પર બ્લેડ વડે હુમલો કર્યો હતો. ગાંજાનો ધંધો કરતા અસામાજિક તત્વએ સુનિલ આહીર નામના યુવકને બ્લેડથી ઇજા પહોંચાડી હતી. હુમલામાં સુનિલ આહીરને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બ્લેડના ઘાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જો કે, સ્થાનિક લોકોએ હુમલો કરનાર અસામાજિક તત્વને તરત જ પકડી લીધો હતો અને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. જો કે ઘટનાની જાણ થતાં જ ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીની અટકાયત કરી. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે ભટાર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. સ્થાનિકો દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની અને આવા બનાવોને અટકાવવાની માંગ કરવામાં આવી હતી.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
