News of Wednesday, 23rd July 2025
'સાત દિવસમાં ચૈતર વસાવાને જામીન નહીં મળે તો નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી, DYSP કચેરી અને બરોડા સબ જેલ ઘેરાવાશે.' : આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ ગંભીર વલણ અપનાવી ચેતવણી આપી
જામીન રદ થવા માટે મારી કે ભાજપની કોઈ જવાબદારી નથી. દેવાભાઈ વસાવાના અશિસ્તપૂર્ણ નિવેદનને લીધે જ કોર્ટે જામીન નકારી કાઢ્યા છે : સાંસદ મનસુખ વસાવા

નર્મદા તા.૨૩ :નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન કેસે હવે રાજકીય વિવાદ ઉભો કર્યો છે. જ્યૂડિશિયલ અને સેશન્સ કોર્ટ દ્વારા જામીન ફગાવાયા બાદ ચૈતર વસાવાએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ ગંભીર વલણ અપનાવી ચેતવણી આપી છે કે, 'સાત દિવસમાં ચૈતર વસાવાને જામીન નહીં મળે તો નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી, DYSP કચેરી અને બરોડા સબ જેલ ઘેરાવાશે.' જેનો સાંસદ મનસુખ વસાવા દ્વારા જવાબ આપવામાં આવ્યો છે.
હથિયાર સાથે જેલ અને સરકારી કચેરીઓ ઘેરાશે
દેવાભાઈ વસાવાએ સરકાર અને તંત્ર સામે ચિમકી ઉચ્ચારી કે ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવાયા છે. જો સાત દિવસમાં જામીન નહીં મળે તો, ચૈતર વસાવાની રિહાઈ માટે ઘેરાવ કરવાની ધમકી આપી છે. તેમણે જણાવ્યું કે, અમારા વડલાઓએ આપેલા પરંપરાગત હથિયાર સાથે જેલ અને સરકારી કચેરીઓ ઘેરાશે.
જામીન રદ થવા માટે મારી કોઈ જવાબદારી નથી
નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દ્વારા ઉચ્ચારવામાં આવેલી આ પ્રકારની ચીમકીને લઇને ભાજપના સાંસદ મનસુખ વસાવા દ્વારા સોશિયલ મીડિયામાં જવાબ આપવામાં આવ્યો છે. જેમાં તેમણે કહ્યું કે, જામીન રદ થવા માટે મારી કે ભાજપની કોઈ જવાબદારી નથી. દેવાભાઈ વસાવાના અશિસ્તપૂર્ણ નિવેદનને લીધે જ કોર્ટે જામીન નકારી કાઢ્યા છે.
ઈંટનો જવાબ પથ્થરથી આપીશ
જો મને ખોટી રીતે ટાર્ગેટ કરશો તો ઈંટનો જવાબ પથ્થરથી આપીશ. આ રીતે લડાઈ ઝઘડા કરવાથી આદિવાસીઓનો વિકાસ રૂંધાય છે. પરંતુ કાનૂની રીતે લડવામાં બધાનું હિત છે. વિકાસ માટે શાંતિ જરૂરી છે. સમાજ માટે શું યોગ્ય છે તે તમામ આગેવાનોએ વિચારીને પગલાં લેવા જોઈએ.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
