News of Wednesday, 23rd July 2025
અંબાજી મંદિરને FSSAI દ્વારા “ઈટ રાઈટ પ્રસાદ” પ્રમાણપત્ર એનાયત : પ્રસાદની ગુણવત્તા અને સ્વચ્છતાની કદર
વિશ્વભરના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદની ગુણવત્તાને વૈશ્વિક માન્યતા મળી : વહીવટદાર કૌશિક મોદીના નેતૃત્વ હેઠળની સિદ્ધિ સમગ્ર ગુજરાત માટે ગૌરવરૂપ

પાલનપુર : યાત્રાધામ અંબાજી, જે વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે, તેને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) દ્વારા “ઈટ રાઈટ પ્રસાદ” પ્રમાણપત્ર થી સન્માનિત કરવામાં આવ્યું છે. આ પ્રમાણપત્ર અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિકોને આપવામાં આવતા મોહનથાળ પ્રસાદની ઉચ્ચ ગુણવત્તા, સ્વચ્છતા અને ખાદ્ય વ્યવસ્થાપનમાં અપનાવેલી શિસ્તબદ્ધ કામગીરીનું પ્રતિબિંબ છે.
વર્ષે સવા કરોડ મોહનથાળ પ્રસાદનું વેચાણ અને ગુણવત્તાનું ધોરણ
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવીને તેનું વેચાણ કરવામાં આવે છે. નોંધનીય છે કે વર્ષ દરમિયાન લગભગ એક કરોડ પચ્ચીસ લાખ જેટલા મોહનથાળ પ્રસાદનું વેચાણ થાય છે. આટલા મોટા પાયે પ્રસાદનું ઉત્પાદન અને વિતરણ થતું હોવા છતાં, મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિકોને આપવામાં આવતા પ્રસાદની ગુણવત્તા અને સ્વચ્છતાના તમામ માપદંડોને FSSAI દ્વારા ઝીણવટપૂર્વક તપાસવામાં આવ્યા હતા, જેના આધારે આ પ્રતિષ્ઠિત પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.
આ સિદ્ધિ ખાસ કરીને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ પ્રાપ્ત થયેલ છે. તેમણે જણાવ્યું કે, ધાર્મિક સ્થળોએ જેમણે પ્રસાદ તૈયાર કરવો અને વિતરણ કરતી વખતે ફૂડ સેફ્ટી, સ્વચ્છતા અને ગુણવત્તાના કડક માપદંડો અનુસર્યા હોય તેમને જ “ઈટ રાઈટ પ્રસાદ” પ્રમાણપત્ર આપવામાં આવે છે.
સમગ્ર ગુજરાત માટે ગૌરવ અને ભવિષ્યની પ્રતિબદ્ધતા
અંબાજી મંદિરની આ સિદ્ધિ સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે. તે દર્શાવે છે કે ધાર્મિક સ્થળોએ પણ ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના ઉચ્ચતમ ધોરણો જાળવી શકાય છે. મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, ભવિષ્યમાં પણ મંદિર ટ્રસ્ટ આ દિશામાં સતત પ્રગતિ કરશે અને ભાવિકોને ઉત્તમ ગુણવત્તાનો પ્રસાદ પૂરો પાડવાનું કાર્ય ચાલુ રાખશે. આ પહેલ અન્ય ધાર્મિક સ્થળો માટે પણ એક પ્રેરણારૂપ બનશે.
(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
