<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

ધરમપુરથી વાંસદા વચ્ચે બે મોટા બ્રિજ બંધ કરાતા હાલાકી : પાંચથી છ જેટલા ગામના લોકોને 15થી 20 કિલોમીટરનો ફેરો

ધરમપુર તાલુકાના કરંજવેરી, મોટી ઢોલ ડુંગરી, ખટાણા, રાજપુરી તલાટ, વિરવલ, નાની ઢોલ ડુંગરી, જેવા અન્ય ગામોના લોકોને સરકારી બસ ન આવતા ભારે હાલાકી

વલસાડઃ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે-56 પર ધરમપુરથી વાંસદા વચ્ચે બે મોટા બ્રિજ બંધ કરી દેવાતા  પાંચથી છ જેટલા ગામના લોકોને 15થી 20 કિલોમીટરનો ચકરાવો ફરવાનો વારો આવ્યો છે. વાંસદા જવા તેમજ ધરમપુર જવા માટે મોટો ફેરો કરવો પડે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને બસ ન આવતી હોવાને લઈને ત્રણથી ચાર કિલોમીટર ચાલવું પડે છે. તેમ જ એક જ બસ આવતી હોવાથી વિદ્યાર્થીઓએ એકથી દોઢ કલાક સુધી બસની રાહ જોવી પડે છે અને બસ મોડી આવતા તેમને અભ્યાસમાં પણ તકલીફ પડતી હોવાનું વિદ્યાર્થીઓનું કહેવું છે.

ધરમપુરથી વાંસદાને જોડતો નેશનલ હાઇવે 56 પર ધરમપુરના કરંજવેરી નજીક માન નદીનો બ્રિજ તેમજ આંબા તલાટ પાસે તાન નદીનો બ્રિજ જર્જરીત હોવાથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બ્રિજ બંધ કરી દેવાતા ધરમપુર તાલુકાના કરંજવેરી, મોટી ઢોલ ડુંગરી, ખટાણા, રાજપુરી તલાટ, વિરવલ, નાની ઢોલ ડુંગરી, જેવા અન્ય ગામોના લોકોને સરકારી બસ ન આવતા ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

ખેરગામથી ધરમપુર જતી બસો વિરવલ પાટીયા સુધી આવે છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને લોકો વિરવલ સુધી ચાલીને અથવા રિક્ષામાં અથવા બાઈક ઉપર જવું પડતું હોય છે.

 

ધરમપુર તાલુકાના પાંચથી છ જેટલા ગામના વિદ્યાર્થીઓને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડે છે. સવારે 7:00 વાગે ઊઠીને વાલીઓ તેમને ચાલીને અથવા બાઈક ઉપર અથવા રિક્ષામાં બેસાડીને વિરવલ પાટિયા સુધી લાવે છે. જ્યાં બસ 10થી 10:30 વચ્ચે આવે છે અને 50થી વધુ જેટલા વિદ્યાર્થીઓ આ બસમાં બેસીને શાળાએ જાય છે. ત્યાં સુધી તો શાળામાં એક લેક્ચર પૂરું થઈ જાય છે. જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ ભારે અસર પડે છે એવું વિદ્યાર્થીઓ જણાવ્યા હતા.

સાંજે પણ વિદ્યાર્થીઓ જ્યારે પરત શાળાએથી ઘરે પહોંચે છે. ત્યારે પણ આ જ પ્રકારની સમસ્યા સર્જાય છે. વિદ્યાર્થીઓને ઘરે પહોંચતા રાત થઈ જાય છે, એટલે કે અંધારામાં તેઓ ઘરે પહોંચે છે. જેથી તેમની સલામતી પર પણ સવાલ ઉઠી રહ્યા છે.

ત્યારે સ્થાનિક આગેવાનો વાલીઓ અને વિદ્યાર્થીઓની એ જ માગ છે કે, ખેરગામથી પાણી કરત થઈ જે વિરવલ પાટીયા સુધી આવતી બસ કરંજવેરી ત્રણ રસ્તા સુધી આવે તો આ પાંચથી સાત જેટલા ગામના લોકોને પડતી હાલાકી દૂર થાય અને તેઓ સમયસર પોતાના કામ અર્થે જઈ શકે છે અને વિદ્યાર્થીઓ ને પડતી દૂર થાય તેવી તેઓની રજૂઆત છે. ત્યારે આવનારા દિવસોમાં જો આ સમસ્યા દૂર ન થાય તો આદિવાસી નેતાએ બસ ડેપોની અંદર બેસી ધરણા કરવાની પણ ચીમકી આપી છે.

(7:38 PM IST)