<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

વડોદરામાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં : 4 એકમોને નોટિસ ફટકારાઇ : 3 દુકાનો સીલ

યુનિવર્સિટીઓ, હોસ્ટેલો, કેન્ટીનો, હોટલ-રેસ્ટોરન્ટ્સ અને ફરસાણની દુકાનો સહિત કુલ 26 સ્થળોએ ચેકિંગ કરાયું

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ચોમાસામાં રોગચાળાને અટકાવવા માટે શહેરભરમાં ફૂડ સેફ્ટીની સઘન તપાસ ઝુંબેશ હાથ ધરી છે. આ અંતર્ગત યુનિવર્સિટીઓ, હોસ્ટેલો, કેન્ટીનો, હોટલ-રેસ્ટોરન્ટ્સ અને ફરસાણની દુકાનો સહિત કુલ 26 સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

આ ઝુંબેશ દરમિયાન તૈયાર ખોરાક, મસાલા, તેલ અને મીઠાઈ સહિત 26 ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા. નિયમોનું ઉલ્લંઘન કરતી દુકાનો અને કેન્ટીન સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે.

માંજલપુર વિસ્તારમાં FBO (ફૂડ બિઝનેસ ઓપરેટર) લાયસન્સ વિના ચાલતી ત્રણ દુકાનો - શ્રીરામ સ્ટોર, શિવ પ્રોવીઝન સ્ટોર અને જી.કે. પાનને તાત્કાલિક બંધ કરાવી સીલ કરવામાં આવી છે.

નિયમભંગ બદલ નવરચના યુનિવર્સિટી (ભાયલી), SNDT કોલેજ (અકોટા), નર્સિંગ કોલેજ (દિવાળીપુરા) અને સમરસ ગવર્નમેન્ટ ગર્લ્સ હોસ્ટેલ સહિત કુલ ચાર સ્થળોને શેડ્યુલ-4 હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસ ફટકારવા પાછળના મુખ્ય કારણોમાં પાણીના રિપોર્ટનો અભાવ, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ન હોવા, રો મટીરિયલના લેબ ટેસ્ટિંગ રિપોર્ટ ન હોવા, લાયસન્સ વિના વ્યવસાય ચલાવવો અને ન્યૂઝપેપર ઉપર ખાદ્યપદાર્થ પીરસવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

ફૂડ સેફ્ટી ઓફિસર ડો. મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવેલી આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં લોકોના આરોગ્યની રક્ષા કરવાનો અને ખાદ્યસુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ ચેકિંગ ચાલુ રહેશે અને નિયમભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

(11:26 PM IST)