<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

પાટણમાં સગીરાને દુષ્પ્રેરણ કરનાર આરોપી દિપક ચૌહાણ વિરુદ્ધ પોક્સો મુજબ ગુન્હો નોંધાયો :ધરપકડ

વિદ્યાર્થીનીએ પાટણના યુવકની જાતિય સતામણી અને માનસિક ત્રાસથી ત્રસ્ત બની પોતાના ઘરે જ ગળે ટુંપો ખાઈ આત્મહત્યા કરી જીંદગી ટૂંકાવતા ચકચાર

પાટણ: સગીરવયની આશાસ્પદ વિદ્યાર્થીનીએ પાટણના યુવકની જાતિય સતામણી અને માનસિક ત્રાસથી ત્રસ્ત બની પોતાના ઘરે જ ગળે ટુંપો ખાઈ આત્મહત્યા કરી જીંદગી ટૂંકાવતા ચકચાર મચી છે. મૃતક વિદ્યાર્થીનીના પિતાએ બનાવ અંગે સરસ્વતી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલિસે આરોપી દિપક ચૌહાણ વિરુધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સરસ્વતી પોલીસ મથકે મરણજનાર સગીરાના પિતાએ નોંધાવેલ ફરીયાદમાં જણાવેલ હકીકત મુજબ તેમની પુત્રી પાટણની એક શાળામાં ધો.11 સાયન્સમાં અભ્યાસ કરતી હતી .તે ટ્યુશન અને સ્કૂલમાં ભણવા જતી આવતી વખતે તે સમયે ચૌહાણ દીપક (રહે. પાટણ, ગુજરાત હાઉસીંગ બોર્ડ, સંખારી રોડવાળો) પીછો કરી સગીરા પાસે તેનો મોબાઈલ નંબરની માંગણી કરતો હતો. આ બાબતે દિપક પાટણમાં જે જગ્યાએ નોકરી કરતો હતો તે દુકાને જઈ તેના માલિક સાથે વાત કરતા દિપક અને તેના માતા-પિતાને બોલાવ્યા હતા. દીકરીને યુવક દ્વારા હેરાન પરેશાન ન કરવા તેના માતા-પિતાને જાણ કરાઈ હતી. ત્યાર બાદ સગીરા ટેન્શનમાં રહેતી હતી અને ગત તા.20/07/2025ના રોજ સગીરાએ ઘરના ઉપરના માળે ચાદર વડે પંખા ઉપર લટકી ગળે ફાંસો ખાઈ લેતા તેને સારવાર માટે પ્રથમ ખાનગી હોસ્પિટલ અને ત્યાર બાદ ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં સારવાર દરમ્યાન તેણીનું મોત નિપજયુ હતું. બનાવ અંગે મૃતક સગીરાના પિતાએ ચૌહાણ દીપક વિશાલ (રહે.પાટણ) વિરુધ્ધ સરસ્વતી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે પોક્સો મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ડીવાયએસપી કે કે.પંડયાએ જણાવ્યું હતું કે, સગીરા શાળા અને ટ્યુશનને જતી હતી તે દરમિયાન યુવક દ્વારા તેનો પીછો કરી પોતાની સાથે મિત્રતા કેળવા અને મોબાઈલ નંબર લેવા માટે સગીરાને હેરાન પરેશાન કરી માનસિક ત્રાસ આપતો હતો. જેનાથી કંટાળીને યુવતીએ આપઘાત કર્યો છે. આરોપી યુવકની પોલીસે ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આ યુવકે સગીરાને લલચાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી હોવાનું સામે આવ્યું છે

(12:15 AM IST)