<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

સુરતમાં 18 વર્ષના યુવાને મહિલાઓની સુરક્ષા સબંધિત અનોખું ' નિર્ભયા ડિવાઇસ ' બનાવ્યું

બટન દબાવતાની સાથે જ ડિવાઇસ સાથે કનેક્ટ કરેલા પરિવારના સભ્યોના મોબાઈલ ફોનમાં એક ઇમરજન્સી એલર્ટ બઝર વાગી ઉઠશે.

સુરત :મહિલાઓની સુરક્ષા આજે પણ એક મોટો પડકાર છે, ત્યારે સુરતના એક ૧૮ વર્ષીય યુવાને આ દિશામાં ક્રાંતિકારી પગલું ભર્યું છે. ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હરમિત ગોધાણી નામના વિદ્યાર્થીએ એક અત્યંત અનોખું અને અસરકારક 'નિર્ભયા ડિવાઇસ' તૈયાર કર્યું છે, જે મહિલાઓને આપાતકાલીન પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ મેળવવામાં સહાયભૂત થશે.

સમગ્ર ભારતમાં મહિલાઓ આઝાદી નિર્ભય રીતે ફરી શકે તે માટે . સુરતના યુવાને અનોખું અને અદભુત નાનકડું ડિવાઇસ તૈયાર કર્યું છે . છેલ્લા એક વર્ષથી તે આ પ્રોજેક્ટ પર સઘન મહેનત કરી રહ્યો હતો અને આખરે તેણે એક એવું ઉપકરણ બનાવ્યું છે જે મહિલાઓની સુરક્ષા માટે એક નવી દિશા ખોલી શકે છે.

આ ડિવાઇસ કદમાં ખૂબ જ નાનું છે, જેથી કોઈપણ મહિલા તેને પોતાની સાથે સરળતાથી રાખી શકે છે. તેને લોકેટ, કી-ચેન કે પર્સમાં પણ રાખી શકાય છે. તેની કાર્યપ્રણાલી અત્યંત સરળ છતાં ખૂબ જ અસરકારક છે . જ્યારે પણ કોઈ મહિલા છેડતી, અપહરણ કે બળાત્કારના પ્રયાસ જેવી આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરે છે, ત્યારે તેણે માત્ર આ ડિવાઇસ પરનું એક બટન દબાવવાનું રહેશે. બટન દબાવતાની સાથે જ ડિવાઇસ સાથે કનેક્ટ કરેલા પરિવારના સભ્યોના મોબાઈલ ફોનમાં એક ઇમરજન્સી એલર્ટ બઝર વાગી ઉઠશે. આ એલર્ટ મળતાની સાથે જ પરિવારજનો સતર્ક થઈ જશે. 

બઝર વાગવાની સાથે જ કનેક્ટેડ મોબાઈલ ફોન પર પીડિત મહિલાનું લાઇવ લોકેશન, એક ઇમરજન્સી મેસેજ અને વોઇસ કોલ પણ પહોંચી જશે. આનાથી પરિવારને મહિલા ક્યાં મુશ્કેલીમાં છે તે તુરંત જાણી શકાશે અને તાત્કાલિક મદદ મોકલી શકાશે. આ ડિવાઇસની એક ખાસિયત એ છે કે એક જ યુનિટને તમે જેટલા ઈચ્છો તેટલા મોબાઈલ ફોન સાથે એકસાથે કનેક્ટ કરી શકો છો. આનાથી પરિવારના ઘણા સભ્યોને એકસાથે એલર્ટ મળી શકે છે. બટન દબાવવાથી કનેક્ટેડ મોબાઈલમાં "મહિલા આપાતકાલીન સ્થિતિમાં છે" તેવો સ્પષ્ટ મેસેજ અને વોઇસ ફોન પણ આવી જાય છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. 

(1:02 PM IST)