તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
સુરતમાં ઘરકંકાસને કારણે વધુ એક પરિવારનો માળો વિખેરાઈ ગયો
સુરતની હચમચાવતી ઘટનાઃવારંવાર ઝઘડાથી કંટાળીને સગા દીકરાએ જ એક પોતાના પિતાને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો

સુરત,તા.૨૪
ઘર કંકાસ કારણે વધુ એક પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. પરિવારમાં વારંવાર ઝઘડા કરી પોતાની પત્નીને માર મારનાર વ્યક્તિનું સગા દીકરા અને ભાણેજે સાથે મળીને ચપ્પુના ઘા ઝીંકી કાળસ કાઢી નાખ્યું હોવાનું ગંભીર ઘટના હાલ સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવી છે. જે મામલે સુરત જિલ્લા પોલીસે ૭૦ જેટલા CCTV કેમેરા ચેક કરી ગણતરીની કલાકોમાં જ બન્ને હત્યારાઓને ઝડપી લીધા હતા અને તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત ૨૨ જુલાઈ, ૨૦૨૫ના રોજ સવારે ૬ઃ૩૦થી ૭ઃ૩૦ વાગ્યાની વચ્ચે, સોસક ગામની સીમમાં આશાપુરી માતાના મંદિર તરફ જતા ત્રણ રસ્તા પર લોહીલુહાણ હાલતમાં એક અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી. જેની માહિતી મળતા જ સુરત જિલ્લા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૃ કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ મહારાષ્ટ્રના કવીલવહાલ હુંબરી ઘનગરવાડીના રહેવાસી સંતોષ રામા કોકરે (૪૬) તરીકે થઈ હતી.
આટલી માહિતીને આધારે જ ઓલપાડ પોલીસ ઇન્સ્પેક્ટર સી.આર. જાદવે LCB અને SOGની મદદથી આરોપીઓ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ૭૦ જેટલા CCTV ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી હતી, જેમાં એક રિક્ષાની ગતીવીધી શંકાસ્પદ જણાઈ હતી. જેથી રિક્ષા અંગે ઉંડાણપૂર્વક તપાસ કરી, પોલીસે રિક્ષાચાલક ધનાજી રામચંદ્ર મથ્થુ ખરાત (૨૪) અને એક સગીરને પોલીસે ઝડપી લીધા હતા. જેમની પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ઘટસ્ફોટ થયા હતા.
તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે, સગીર આરોપી મૃતક સંતોષનો દીકરો હતો, જ્યારે ધનાજી તેમનો ભાણેજ હતો. શરૃઆતમાં બંનેએ હત્યાનો ઇનકાર કર્યો, પરંતુ પોલીસની કડક પૂછપરછ બાદ તેઓએ ગુનો કબૂલી લીધો હતો અને આખા ષડયંત્ર માટે પોપટની જેમ પટપટ બોલવા લાગ્યા હતા. બંનેએ જણાવ્યું કે, સંતોષ તેમની પત્નીને વારંવાર મારતા હતા, જેના કારણે તેમની પત્ની પુત્ર પાસે સુરત આવી ગઈ હતી. જે બાદ આખો ઘટના ક્રમ શરુ થયો હતો.
પોલીસે આપેલી માહિતી અનુસાર, સંતોષની પત્ની પોતાના પુત્ર પાસે સુરત આવી ગઈ હોવાથી, તે પુત્રને ફોન પર ધમકીઓ આપતો હતો, જેના પગલે પુત્ર અને ભાણેજ ધનાજીએ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જ્યારે સંતોષ નિવેદન આપવા ચોકબજાર પોલીસ સ્ટેશન આવે, ત્યારે બંનેએ તેમની હત્યાનું કાવતરું ઘડી નાખ્યું હતું અને બાદમાં પ્લાનિંગ મુજબ બંનેએ સંતોષને મોતને ઘાટ ઉતારી દીધો.
આરોપીઓની કબૂલાત મુજબ, સંતોષ બસ મારફતે મહારાષ્ટ્રથી સુરત પહોંચ્યો ત્યારે, સગીર પુત્ર અને ભાણેજ ધનાજી અને અન્ય એક સહઆરોપીએ તેમને બે રિક્ષા મારફતે સ્ટેશન પરથી પીકઅપ કર્યા હતા. એક રિક્ષામાં પુત્ર અને પિતા સાથે બેઠા હતા, જેને ત્રીજો સહઆરોપી ચલાવતો હતો, જ્યારે બીજી રિક્ષા લઈને ભાણેજ ધનાજી તેમનો પીછો કરી રહ્યો હતો.
PI સી.આર જાદવના જણાવ્યાનુસાર, ઓરમા ગામ તરફ એક એવાવરુ જગ્યાએ પહોંચતા સગીર પૂત્રએ પિતા સંતોષ સાથે ઝઘડો શરુ કર્યો અને સંતોષને રિક્ષામાંથી ઉતારી દીધો હતા. આ સમયે પાછળથી ભાણેજ ધનજી પણ રિક્ષા પરથી ઉતરીને બોલાચાલી અને મારામારી કરવા લાગ્યા. દરમિયાન આરોપી ધનજીએ મામા સંતોષને માથા પર ફટકો માર્યો તથા સગા દીકરાએ જ, સંતોષના ગળા અને જમણા હાથ પર રેમ્બો છરીથી ઘા મારી મોતને ધાટ ઉતારી દીધો હતો. જે બાદ તમામ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
ઘટના બાદ પોલીસેને સંતોષની લાશ મળતા જ પોલીસે LCB ટીમની મદદથી તપાસ શરુ કરી હતી. જેના અંતમાં સગા દીકરાએ પોતાના ભાણેજ સાથે મળી પિતાની હત્યા કરી હોવાની ચોંકાવારી હકીકત બહાર આવી છે. જેનાથી ઘરકંકાસના કારણે વધુ એક પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. હાલ આ દુઃખદ ઘટના આસપાસના વિસ્તારામાં ચર્ચાનો વિષય બની છે. સાથે જ આ બાબતે હાલ વોન્ટેડ આરોપી સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે.
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
