<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

શનિવારથી સાપુતારામાં 23 દિવસનો ભવ્ય મોન્સૂન ફેસ્ટિવલ યોજાશે : 'એક ભારત શ્રેષ્ઠ ભારત' થીમ હેઠળ 13 રાજ્યોના કલાકારો ભાગ લેશે

13 રાજ્યોના 354 કલાકારો દ્વારા લોકનૃત્યો અને પરંપરાગત પોષાકો સાથે ‘ફોક કાર્નિવલ પરેડ’ યોજાશે : ઉત્સવનો આરંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરશે: કાર્યક્રમની ખાસ ઉપસ્થિતિમાં પ્રવાસન મંત્રી મુળુ બેરા તથા આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ હાજર રહેશે.

ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા દરવર્ષે આયોજિત થતા સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનો આ વર્ષે પણ ભવ્ય રીતે શુભારંભ થવાનો છે. દક્ષિણ ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન – સાપુતારામાં તા. 26 જુલાઈ 2025થી 17 ઑગસ્ટ 2025 સુધી ચાલનારા આ 23 દિવસના ઉત્સવનો આરંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ કરશે. કાર્યક્રમની ખાસ ઉપસ્થિતિમાં પ્રવાસન મંત્રી મુળુ બેરા તથા આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ હાજર રહેશે.  

    ફેસ્ટિવલના પહેલો દિવસ એટલે એક ભવ્ય દ્રશ્યાવલિ. ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ થીમ હેઠળ 13 રાજ્યોના 354 કલાકારો દ્વારા લોકનૃત્યો અને પરંપરાગત પોષાકો સાથે ‘ફોક કાર્નિવલ પરેડ’ યોજાશે. મહારાષ્ટ્રથી લાવણી, પંજાબથી ભાંગડા, રાજસ્થાનથી કલબેલિયા, આસામથી બિહૂ, હિમાચલથી નાટી સહિતના લોકનૃત્યો તેમજ ગુજરાતના ડાંગી, ગર્ભા, રાઠવા, સિદી ધમાલ અને તલવાર રાસ સહિતના વાઇબ્રન્ટ અને રંગીન પ્રસ્તુતિઓ કાર્યક્રમને ઉત્સવમય બનાવશે.

  ઉદ્ઘાટન દિવસના મંચ પર 87 કલાકારો દ્વારા ભારતના વિવિધ રાજ્યોના લોકનૃત્યો જેમ કે ભરતનાટ્યમ, કથક, મણિપુરી, ઘૂમ્મર, છાઉ અને યશગાના સહિતની નૃત્યશૈલીઓ રજૂ કરવામાં આવશે. આ ભવ્ય પ્રસ્તુતિઓ મહેમાનો તેમજ પ્રવાસીઓ માટે દ્રશ્યરમ્ય અનુભવ બની રહેશે. 
 

(11:06 PM IST)