તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
દારૂના દૂષણને નાથવા બનાસકાંઠાનું ઢુવા ગામમાં અનોખું બંધારણ તૈયાર : દારૂનું સેવન કે વેચાણ કરે તેનું મુંડન કરી વરઘોડો કાઢશે
ગામમાં આવેલા અંબે માતના મંદિરમાં બંધારણ સભાનું આયોજન કર્યું અને ગામમાંથી દારૂને દેશવટો આપવા માટે મહત્વ નિર્ણય લીધો

બનાસકાંઠા: જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા ઢુવા ગામના લોકો તેમના ગામમાંથી દારૂની બદીને નાથવા માટે અનોખું બંધારણ તૈયાર કર્યું છે. આ બંધારણ અંતર્ગત ગામમાં કોઈ દારૂનું સેવન કે વેચાણ કરે તેની સામે સામાજિક બહિષ્કાર કરવા ઉપરાંત મુંડન કરીને વરઘોડો નીકાળવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે.
ડીસા તાલુકામાં આશરે સાત હજારની વસ્તી ધરાવતા ઢુવા ગામમાં દારૂની હાટડીઓ એટલી હદ સુધી પ્રસરી ગઈ છે કે ગ્રામજનો તોબા પોકારી ગયા છે. યુવાનો તો ઠીક પરંતુ ઢુવા ગામના શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ દારૂનું સેવન કરીને અભ્યાસ કરવા માટે પહોંચી રહ્યા છે. ગ્રામજનો જણાવી રહ્યા છે કે ઢુવા ગામમાં નાની ઉંમરના લોકો દારૂના લીધે મોતને ભેટતા હોવાના લીધે નાની ઉંમરમાં મહિલાઓ પણ વિધવા બની રહી છે. ઢુવા ગામમાં વ્યાપક રીતે પ્રસરેલી દારૂની બદીને અટકાવવા માટે સ્થાનિક ગ્રામજનો દ્વારા અનેકવાર પોલીસને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પોલીસ દ્વારા પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.
જેને લઇ આખરે ગ્રામજનોએ એકત્રિત થઈને ગામમાં આવેલા અંબે માતના મંદિરમાં બંધારણ સભાનું આયોજન કર્યું અને આ બંધારણ સભામાં ગ્રામજનોએ ગામમાંથી દારૂને દેશવટો આપવા માટે મહત્વ નિર્ણય લીધો છે. દારૂના લીધે ઢુવા ગામનું યુવાધન બરબાદ થઇ ગયું છે. ત્યારે બરબાદ થતા આ યુવાધનને બચાવવા માટે સ્થાનિકો દ્વારા પોલીસ સમક્ષ પણ અસંખ્ય રજૂઆત કરી હોવા છતા પરિણામ શૂન્ય છે. ત્યારે હવે દારૂની આ બદીને નાથવા માટે ગ્રામજનો પોતે જ આગળ આવ્યા છે અને ગામમાં કોઈપણ વ્યક્તિ દારૂનું સેવન કે વેચાણ કરે તેની સામે કેટલાક શિક્ષાત્મક પગલા લેવાનો નિર્ણય કર્યો છે. જેમાં દારૂનું વેચાણ કરતા જે વ્યક્તિ ઝડપાય તેને આર્થીક દંડ કરવા ઉપરાંત સામાજિક બહિષ્કાર કરવો અને તેનું મુંડન કરાવી ગામમાં તેનો વરઘોડો નીકાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
