News of Friday, 25th July 2025
રાજકોટ-અમદાવાદ સિક્સલેનની કામગીરી કેટલી થઈ પૂર્ણ ?
જેતપુર-ગોંડલ-રાજકોટ વિભાગને છ-માર્ગીય બનાવવાની ચાલુ પરિયોજનાનો ભાગ છે, જેની સુધારેલી પૂર્ણતા તારીખ ૨૫-૧૦-૨૦૨૫ છે : રૂપાલાજીએ પ્રશ્ન કર્યોઃ લોકસભામાં આપવામાં માહિતીઃ હેડારીયો મોટો પુલ, કુવાડવા ફ્લાયઓવર અને ટોલ પ્લાઝાનું કાર્ય નિર્માણાધીન છે

ગુજરાતમાં અનેક નેશનલ હાઇવેને સિક્સ લેન કરવાના તેમજ અન્ય વિકાસકાર્ય હાલ પ્રગતીમાં છે. જેમાં છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદ-રાજકોટ હાઇવેની કામગીરી ચાલી રહી છે અને લોકો માટે આ કામગીરી એક માથાનો દુખાવો બની ગઈ છે, ત્યારે લોકસભામાં રાજકોટના સાંસદ/પરશોતમ રૂપાલાએ હાલ ગુજરાતમાં નેશનલ હાઇવેના વિકાસકાર્યો અને ખાસ કરીને રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવેની કામગીરીની સ્થીતી અંગે પ્રશ્ન કર્યો હતો. જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે અમદાવાદ-રાજકોટ હાઈવેનો મોટો હિસ્સો પૂર્ણતાને આરે છે તેમજ વર્ષ ૨૦૨૯-૩૦ સુધીમાં રૂા.૫૫,૬૧૪ કરોડના ૬૯ નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં આવશે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં, ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોના સુધારણા અને વિકાસ માટે સરકારે રૂા.૫૫,૬૧૪ કરોડના ખર્ચે ૬૯ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જે અમલીકરણના વિવિધ તબક્કામાં છે
રાજકોટ બાયપાસ એનએચ-૨૭ ના જેતપુર-ગોંડલ-રાજકોટ વિભાગને છ-માર્ગીય બનાવવાની ચાલુ પરિયોજનાનો ભાગ છે, જેની સુધારેલી પૂર્ણતા તારીખ ૨૬ ઓક્ટોબર ૨૦૨૫ છે.
ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વિકાસ અને જાળવણી માટે વર્તમાન વર્ષ સહિત ફાળવવામાં આવેલ બજેટ અને થયેલા ખર્ચની વિગતો આપતા તેમણે જણાવ્યુ હતું કે વર્ષ ૨૦૨૩-૨૪માં રૂા.૧૦,૯૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી હતી, જયારે તેટલો જ ખર્ચ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૪-૨૫માં રૂા.૮,૨૬૨ કરોડની ફાળવણી કરવામાં આવી હતી, જે પૈકી રૂા.૮,૦૯૧ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમજ વર્ષ ૨૦૨૫-૨૬માં રૂા.૨,૩૪૬ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી, જયારે રૂા.૨,૧૬૩ કરોડ ખર્ચવામાં આવ્યા હતાં.
અમદાવાદ-રાજકોટ છ-માર્ગીય ધોરીમાર્ગ પ્રોજેક્ટની સ્થિતિ વિશે માહિતી આપી હતી કે અમદાવાદથી બગોદરા સુધીના ૪૦ કિમી માટે ૪૬૭.૧૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતાં, જયારે ૪૩ કિમીનું અંતર ધરાવતા બગોદરાથી લીંબડી ભાગ માટે ૩૯૬ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. હાલ આ બન્ને ભાગના મુખ્ય કેરેજવેનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે, જયારે સર્વિસ રોડનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે.
લીંબડીથી સાયલાનો ૩૮.૯૫ કિમીના અંતરના આ ભાગ માટે ૪૬૭.૧૦ કરોડ ફાળવવામાં આવ્યા હતાં. હાલ તેના મુખ્ય કેરેજવેનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે, જયારે સર્વિસ રોડ અને જંકશન સુધારણાનું વિવિધ કાર્ય પ્રગતિમાં છે. સાયલાથી બામણબોર વચ્ચેનો ૩૮.૯૫૦ કરોડના ખર્ચથી ૩૭ કિમીના ભાગનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. જેમાં બાકીના ૨ નાના પુલોનું કાર્ય હાલ નિર્માણાધીન છે. તે સિવાય રાજકોટથી બામણબોર વચ્ચેના ૨૮.૩૭૫ કિમીના ભાગનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. બાકીના હેડારીયો મોટો પુલ, કુવાડવા ફ્લાયઓવર અને ટોલ પ્લાઝાનું કાર્ય નિર્માણાધીન છે.(૩૮.૫)
(4:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
