News of Friday, 25th July 2025
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી - "જે જીવનભર વિદ્યાર્થી બની નિરંતર શીખવાનો અભિગમ ધરાવે છે, તે શ્રેષ્ઠ સફળતા હાંસલ કરે છે"
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ડી.લિટ. અને સુવર્ણપદક અર્પણ સમારોહ યોજાયો : પ્રો. કપિલ કપૂર અને પ્રો. ઈન્દુમતી કાટદરેને માનદ ડી.લિટ.થી સન્માનિત કરાયા : ૩૫૯ વિદ્યાર્થીઓને ૪૪૪ સુવર્ણચંદ્રકો એનાયત

પાટણ, ૨૫ જુલાઈ, ૨૦૨૫ : પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં આજે ડી. લિટ્. પદવીદાન અને સુવર્ણ પદક એનાયત કાર્યક્રમ યોજાયો હતો. આ ગરિમામય કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલના વરદ હસ્તે શિક્ષણ અને સમાજ માટે અમૂલ્ય યોગદાન આપનાર પ્રો. કપિલ કપૂર અને પ્રો. ઈન્દુમતી કાટદરેને ડી. લિટ્. ની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, યુનિવર્સિટીની ૧૦ થી વધુ વિદ્યાશાખાઓના ૩૫૯ વિદ્યાર્થીઓને કુલ ૪૪૪ સુવર્ણચંદ્રકોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભારતીય જ્ઞાન પરંપરા અને જીવનના ઉદ્દેશ્ય પર પ્રકાશ પાડ્યો
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના આ સમારોહમાં વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, "જે વ્યક્તિ જીવનભર વિદ્યાર્થી બની નિરંતર શીખવાનો અભિગમ ધરાવે છે, તે જીવનમાં શ્રેષ્ઠ સફળતા હાંસલ કરે છે." તેમણે "સા વિદ્યા યા વિમુક્તયે" શ્લોકના માધ્યમથી ભારતની પ્રાચીન જ્ઞાન પરંપરા અને ઋષિ પરંપરાને સરળ શબ્દોમાં સમજાવી, ભારતીય દર્શનશાસ્ત્ર, તત્વજ્ઞાન અને કેળવણીનો વિસ્તૃત પરિચય કરાવ્યો.
રાજ્યપાલે વેદમાં વર્ણવાયેલા વિદ્યાના બે પ્રકાર – પરંપરાગત શિક્ષણને 'અપરા વિદ્યા' અને જીવનદર્શન શીખવતા અધ્યાત્મને 'પરા વિદ્યા' – સમજાવ્યા. તેમણે કહ્યું કે, કોઈપણ વ્યક્તિ આ પરંપરાગત શિક્ષણ અને અધ્યાત્મજ્ઞાન એમ બંને વિદ્યા દ્વારા જ જીવનમાં ધર્મ, અર્થ અને કામના પુરુષાર્થ દ્વારા મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.
આગળ વાત કરતા તેમણે જણાવ્યું કે, ભારતીય જ્ઞાન પરંપરા રોટી, કપડાં અને મકાનની ભૌતિક સુવિધાઓના દ્રષ્ટિકોણથી આગળ વધી, આત્માને ઓળખી મોક્ષ પ્રાપ્તિ સુધીની સાધના-આરાધનાનું મહત્વ સમજાવે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આપણી જ્ઞાન પરંપરા કર્મના સિદ્ધાંત, અધ્યાત્મવાદ અને તત્વજ્ઞાન આધારિત છે, જે જીવન મૂલ્ય શીખવે છે. "ફક્ત ખાઓ, પીઓ અને મોજ કરો એ જીવનનું લક્ષ્ય નથી." આ પૃથ્વી પર જડ-ચેતન સહિત કોઈપણ વસ્તુ ઉદ્દેશ્ય વિનાની નથી, તો આપણું જીવન પણ ઉદ્દેશ્યહીન ન હોવું જોઈએ. આ શરીર, આ જીવન થકી ધર્મ, અર્થ, કામ અને અંતે મોક્ષ માર્ગની આધ્યાત્મિક સફરને ઓળખવી પડે. "આત્મા એ જ પરમાત્મા છે એ માનવ જીવનનો ઉદ્દેશ્ય હોવો જોઈએ," તેમ તેમણે ઉમેર્યું.
રાજ્યપાલ દેવવ્રતજીએ જણાવ્યું કે આપણી સંસ્કૃતિ "સર્વે ભવંતુ સુખિનઃ" (સૌ સુખી થાઓ) અને "વસુધૈવ કુટુંબકમ્" (સમગ્ર વિશ્વ એક પરિવાર છે) ની છે. તેમણે વિદ્યાર્થીઓને યાદ અપાવ્યું કે માનવતાથી મોટો કોઈ ધર્મ નથી અને મેળવેલ જ્ઞાનનો પરિવાર, સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિ માટે ઉપયોગ કરવો એ જ પરમ કર્તવ્ય છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભારતની વિરાસત, જીવન મૂલ્ય અને જ્ઞાન પરંપરાને પુનઃસ્થાપિત કરવાના ભગીરથ કાર્યને બિરદાવી, સૌને તેમાં સહભાગી બની માનવજીવનનો ઉદ્દેશ્ય પરિપૂર્ણ કરવા અપીલ કરી હતી.
વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી: "પ્રો. કપિલ કપુર અને પ્રો. ઈન્દુમતી કાટદરેનું જીવન માનવજાત માટે માર્ગદર્શક"
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજનો દિવસ ભાગ્યશાળી છે કારણ કે પાટણની પવિત્ર ધરા પર આ કાર્યક્રમ થઈ રહ્યો છે. તેમણે પ્રો. કપિલ કપુરજીને સન્માનિત કરવાનું સદભાગ્ય મળ્યાનો આનંદ વ્યક્ત કર્યો. વધુમાં, તેમણે પ્રો. ઈન્દુમતી કાટદરેના જીવનને ઉત્તર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશ અને માનવજાત માટે માર્ગદર્શિકા બની શકે તેવું ગણાવ્યું.
અધ્યક્ષ ચૌધરીએ પોતે પ્રત્યક્ષ રીતે તેના સાક્ષી હોવાનું જણાવી ઉમેર્યું કે, પ્રો. કાટદરેના વિચારો અને બાળ સાહિત્યમાં તેમનું પ્રદાન જીવન ઘડતર માટે બહુમૂલ્ય છે. તેમણે સરસ્વતી શિશુ મંદિરના કાર્યોને બિરદાવ્યા, જ્યાં બાળકોને ઉત્તમ સંસ્કારો આપવામાં આવે છે અને શિક્ષકોને પણ ભારતીય જીવન પદ્ધતિ અને મૂલ્યવાન પદ્ધતિ સહિતના સંસ્કારોનું શિક્ષણ અપાય છે. તેમણે કહ્યું કે શિશુ મંદિરમાં તૈયાર થયેલા વિદ્યાર્થીઓ સમગ્ર દેશમાં અલગ પ્રકાશ પાડી રહ્યા છે, જેનાથી સમાજ જીવનમાં સકારાત્મક બદલાવ આવી રહ્યા છે. પોતાની દીકરીઓ પણ સરસ્વતી શિશુમંદિરમાં અભ્યાસ કરીને તૈયાર થઈ હોવાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, આ સંસ્કારો આજે પણ તેઓ અનુભવી રહ્યા છે.
અધ્યક્ષ ચૌધરીએ રાજ્યપાલ દેવવ્રતજીને 'વૈજ્ઞાનિક' તરીકે પણ ઓળખાવ્યા. તેમણે કહ્યું કે, રાજ્યપાલ પ્રાકૃતિક કૃષિના માધ્યમથી સમગ્ર દેશમાં કૃષિ ક્ષેત્રે મોટો બદલાવ લાવી રહ્યા છે, જેના લીધે કેન્સરમુક્ત સમાજનું અભિયાન સાર્થક થઈ રહ્યું છે.
આ પ્રસંગે જયંતિભાઈ ભાડેસિયા, ડૉ. કે.સી. પોરિયા (કુલપતિ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી), જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી વદનસિંહ બોડાણા, પ્રો. ઈન્દુમતી કાટદરે, કુલ સચિવ ડૉ. રોહિત દેસાઈ, યુનિવર્સિટીના ઈ.સી. મેમ્બર્સ, પ્રાધ્યાપકગણ, વાલીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
