News of Friday, 25th July 2025
ACBની સફળ ટ્રેપ : ઓલપાડના સિવાણ ગામે તલાટી કમ મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટર રૂ. ૭,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા
બાંધકામની આકારણી કરવાના અવેજ પેટે લાંચ માંગી હતી : જાગૃત નાગરિકની ફરિયાદ આધારે ACBની રેડ : બંને આરોપીઓ રંગેહાથ ઝડપાઈ ગુનો કબૂલ કર્યો

સુરત: ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ આજે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સિવાણ ગામમાં એક સફળ ટ્રેપ ગોઠવી, લાંચ લેતા તલાટી કમ મંત્રી અને એક કોમ્પ્યુટર ઓપરેટરને ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓએ બાંધકામની આકારણી કરવાના અવેજ પેટે રૂ. ૭,૦૦૦/- ની લાંચ માંગી હતી. જાગૃત નાગરિકની ફરિયાદને આધારે ACB એ કાર્યવાહી કરી, બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા.
લાંચના કેસની વિગતો અને ACBની કાર્યવાહી
આ કેસની વિગત મુજબ, ફરિયાદીના સિવાણ ગ્રામ પંચાયત વિસ્તારમાં બે પ્લોટ ઉપર બાંધકામ કરવામાં આવ્યું હતું, જેની આકારણી કરાવવાની કાર્યવાહી બાકી હતી. આ કાર્યવાહી કરવાના અવેજ પેટે આરોપી ભરતભાઈ નાથુભાઈ ચૌધરી (ઉં.વ. ૪૫), જે તલાટી કમ મંત્રી વર્ગ-૩, સિવાણ ગામ ગ્રામ પંચાયત કચેરી, તા. ઓલપાડ, જિ. સુરત તરીકે ફરજ બજાવે છે, તેણે રૂ. ૭,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી, તેમણે એ.સી.બી. નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે, ACB દ્વારા તા. ૨૫/૦૭/૨૦૨૫ ના રોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.
છટકા દરમિયાન, ફરિયાદીએ આરોપીઓ ભરતભાઈ નાથુભાઈ ચૌધરી અને પ્રગતિબેન ડી/ઓ યોગેશભાઈ વિનુભાઈ પટેલ (ઉં.વ. ૨૨, કોમ્પ્યુટર ઓપરેટર – કરાર આધારિત) ને મળતા, હેતુલક્ષી વાતચીત કરી. આ બંને આરોપીઓએ એકબીજાની મદદગારી કરીને લાંચની રકમ રૂ. ૭,૦૦૦/- સ્વીકારી હતી. ACB ટીમે તાત્કાલિક કાર્યવાહી કરતા, બંને આરોપીઓ રૂ. ૭,૦૦૦/- ની લાંચની રકમ સ્વીકારતા જ સ્થળ પરથી પકડાઈ ગયા હતા. આ ગુનો મોજે સિવાણ ગામ પંચાયત તલાટીની ઓફિસમાં, તા. ઓલપાડ, જિ. સુરત ખાતે બન્યો હતો.
આ સફળ ટ્રેપીંગ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેકટર એસ.ડી. ધોબી, સુરત ગ્રામ્ય એ.સી.બી. પોલીસ સ્ટેશન, સુરત તથા એ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન મદદનીશ નિયામક આર.આર. ચૌધરી, એ.સી.બી. સુરત એકમ, સુરત દ્વારા કરવામાં આવ્યું હતું.
ACB ની આ કાર્યવાહીથી સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારને ડામવા માટેનો સંદેશ સ્પષ્ટ થયો છે.
(5:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
