<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પાટણના સ્ટેટ ફ્રોઝન સિમેન ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી

દેશી ગાયની નસલ સુધારણા માટે 'સેક્સ-સોર્ટેડ સિમેન ટેકનોલોજી'નો લાભ લેવા રાજ્યપાલનો પશુપાલકોને અનુરોધ : ૯૦% થી વધુ વાછરડી-પાડી મેળવી શકાય તેવી ટેકનોલોજી રૂ. ૫૦ માં ઉપલબ્ધ

પાટણ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આજે પાટણમાં આવેલ સ્ટેટ ફ્રોઝન સિમેન પ્રોડકશન અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (રામનગર)ની મુલાકાત લીધી હતી. દેશી ગાયની નસલ સુધારણા માટે સતત પ્રયત્નશીલ અને પ્રતિબદ્ધ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બોવાઇન સિમેન સેક્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં તજજ્ઞો સાથે ફ્રોઝન સિમેન પ્રોડકશન અંગે વિસ્તૃત વિચાર વિમર્શ કર્યો હતો અને જરૂરી સૂચનો પણ કર્યા હતા.
પશુધન વિકાસ બોર્ડની આધુનિક સંસ્થાની વિશેષતાઓ
ગુજરાત સરકારના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના ઉપક્રમે ગુજરાત પશુધન વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત સ્ટેટ ફ્રોઝન સિમેન પ્રોડકશન અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પાટણ ખાતે કાર્યરત છે. આ સંસ્થા એક અત્યાધુનિક બાયોસિક્યુરિટી ઝોનમાં આવેલી છે, જેમાં પ્રયોગશાળા, બોવાઇન સિમેન સેક્સિંગ ઇન્સ્ટિટ્યૂટ, ૧૯૨ બુલની ક્ષમતાના ૮ શેડ, સિમેન કલેક્શન શેડ તથા અન્ય સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઝોનમાં ભારત સરકાર દ્વારા નિર્દેશિત ચુસ્ત જૈવ સલામતીને લગતા તમામ પગલાંનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ સંસ્થા વિશે વિસ્તારપૂર્વક માહિતી મેળવી, જે સમગ્ર રાજ્યમાં એકમાત્ર એવી સંસ્થા છે જે ઉચ્ચ ઓલાદના ઉત્તમ ગુણવત્તા ધરાવતા સાંઢ/પાડાના થીજવેલા વીર્યના કૃત્રિમ બીજદાન માટેના ડોઝનું ઉત્પાદન કરે છે અને રાજ્યભરના પશુપાલકોના દૂધાળા પશુઓમાં કૃત્રિમ બીજદાન માટે સિમેન ડોઝનું વિતરણ કરે છે.
'સેક્સ-સોર્ટેડ સિમેન ટેકનોલોજી'નો લાભ લેવા રાજ્યપાલનો અનુરોધ
આ સંસ્થાને ભારત સરકારના સેન્ટ્રલ મોનિટરીંગ યુનિટ દ્વારા તેની સ્થાપનાથી લઈ અત્યાર સુધી સતત "A" ગ્રેડ એનાયત કરવામાં આવ્યો છે, જે તેની ગુણવત્તા અને કાર્યક્ષમતાનો પુરાવો છે. તાજેતરમાં, આધુનિક સંશોધનોના આધારે પ્રસ્થાપિત થયેલ લિંગ નિર્ધારિત સિમેન ડોઝ ઉત્પાદનની કામગીરી પણ આ સંસ્થા ખાતે જૂન ૨૦૨૧ થી શરૂ કરવામાં આવેલી છે.
આ ક્રાંતિકારી ટેકનોલોજી દ્વારા ગાય-ભેંસમાં કૃત્રિમ બીજદાન થકી ૯૦% થી પણ વધારે પ્રમાણમાં વાછરડી કે પાડી મેળવી શકાય છે, જે પશુપાલકો માટે અત્યંત લાભદાયી છે. ગુજરાત સરકાર દ્વારા પણ આ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ ખેડૂતોના લાભમાં કરી શકાય તે માટે તાજેતરમાં સરકાર હસ્તકના કૃત્રિમ બીજદાન કેન્દ્ર ખાતેથી પશુપાલકોને કૃત્રિમ બીજદાન માટે માત્ર રૂ. ૫૦ પ્રતિ ડોઝ ના દરે લિંગ નિર્ધારિત સિમેન ડોઝ (Sexed Sorted Semen Dose) થી સેવા પૂરી પાડવામાં આવે છે. રાજ્યપાલ દેવવ્રતજીએ આ પ્રસંગે વધુને વધુ પશુપાલકો સેક્સ સોર્ટેડ સિમેન યોજનાનો લાભ લેતા થાય તે માટે ખાસ અનુરોધ કર્યો હતો.
આ મુલાકાત દરમિયાન પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુનીબેન ઠાકર, જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી, જિલ્લા વિકાસ અધિકારી વદનસિંહ બોડાણા, સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર ડૉ. રાકેશ પટેલ, સહાયક નિયામક ડૉ. પ્રદીપ પટેલ, પશુ ચિકિત્સા અધિકારી ડૉ. હસમુખ જોશી સહિતના અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(5:55 PM IST)