News of Friday, 25th July 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આણંદના નાવલીમાં ₹૫ કરોડના ખર્ચે નિર્મિત NCC લીડરશીપ એકેડમી ભવનનું લોકાર્પણ કર્યું
આણંદની આ એકેડમી ૨૦૦ કેડેટ્સ માટે નેતૃત્વ, શિસ્ત અને જવાબદાર નાગરિક તરીકેના વિકાસ માટેનું કેન્દ્ર બનશે : બીજા તબક્કા બાદ ૬૦૦ કેડેટ્સને તાલીમ અપાશે : યુવા આપદા તાલીમ અને NCC કેમ્પનું આયોજન ૨૮ જુલાઈથી

આણંદ, ૨૫ જુલાઈ, ૨૦૨૫ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે આણંદ જિલ્લાના નાવલી દહેમી રોડ પર પાંચ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા અત્યાધુનિક NCC લીડરશીપ એકેડમી ભવનનું ભવ્ય લોકાર્પણ કર્યું હતું. રાજ્ય સરકારના આર્થિક સહયોગથી નિર્મિત આ ભવનની મુખ્યમંત્રીએ મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓની જાણકારી મેળવી હતી. આ પ્રસંગે તેમણે એકેડમીના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું, અને NCC કેડેટ્સ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
યુવા સશક્તિકરણ અને રાષ્ટ્ર નિર્માણ માટે મહત્વપૂર્ણ કદમ
ગુજરાત સરકારના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ માર્ગદર્શન અને સહયોગ દ્વારા નિર્મિત આ એકેડમી રાજ્યના યુવાનોમાં નેતૃત્વ, શિસ્ત અને રાષ્ટ્રીય સેવાનો ભાવ જાગૃત કરવાનું કેન્દ્ર બનશે. તે યુવા સશક્તિકરણ અને રાષ્ટ્ર નિર્માણ માટે એક મહત્વપૂર્ણ કદમ સાબિત થશે. આ એકેડમી રાજ્યમાં NCC તાલીમને નવી ઊંચાઈએ લઈ જવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને યુવાનોમાં નેતૃત્વ, દેશભક્તિ અને સામાજિક જવાબદારીના મૂલ્યોને વધુ પ્રબળ બનાવશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદ અને રાજપીપળામાં હાલ એક-એક NCC એકેડમી કાર્યરત છે. હવે આ ત્રીજી NCC લીડરશીપ એકેડમીનું નિર્માણ થયું છે, જેનું સંચાલન વલ્લભ વિદ્યાનગર ગ્રુપ હેડક્વાર્ટર અંતર્ગત કરવામાં આવશે. આ નવી એકેડમીમાં આગામી તા. ૨૮ જુલાઈથી 'યુવા આપદા તાલીમ કેમ્પ' અને 'કમ્બાઈન્ડ એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ' (CATC) નો પ્રારંભ થશે, ત્યારબાદ સમયાંતરે NCC કેમ્પ્સનું આયોજન કરવામાં આવશે.
આધુનિક સુવિધાઓ અને ભવિષ્યની યોજનાઓ
આ એકેડમીના પ્રથમ તબક્કામાં ૨૦૦ કેડેટ્સ માટે આધુનિક રહેણાંક, તાલીમ અને વહીવટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેમ્પસમાં ઓબ્સ્ટેકલ કોર્સ, ફાયરિંગ રેન્જ, ડ્રિલ ગ્રાઉન્ડ, ડિજિટલ ક્લાસ રૂમ અને સંપૂર્ણ સજ્જ રહેણાંક સુવિધાઓ ઉપલબ્ધ છે.
બીજા તબક્કા હેઠળની કામગીરી હાલ પ્રગતિમાં છે, જે પૂર્ણ થતાં નાવલી મધ્ય ગુજરાતમાં ૬૦૦ જેટલા કેડેટ્સની ક્ષમતા ધરાવતું એક અગ્રણી તાલીમ કેન્દ્ર બની રહેશે. આ વિસ્તરણ NCC કેડેટ્સને વધુ સારી અને વ્યાપક તાલીમ પૂરી પાડવામાં મદદરૂપ થશે.
એકેડમીના આ લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્યો સર્વ યોગેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપના, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, ગુજરાતના એડીજી આર. એસ. ગોડારા, વલ્લભ વિદ્યાનગર ગ્રુપ કમાન્ડર પરમેન્દર અરોરા, ૪-બટાલિયન એન.સી.સી.ના સી.ઈ.ઓ. કર્નલ મનિષ ભોલા સહિત એન.સી.સી.ના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં એન.સી.સી. કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.
(6:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
