News of Friday, 25th July 2025
મહેસૂલી પ્રશ્નો અને 'જીવન પ્રથમ'ની પ્રાથમિકતા સાથે ગાંધીનગરમાં કલેક્ટર કોન્ફરન્સ યોજાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રવિની અધ્યક્ષતામાં પ્રજાલક્ષી નિર્ણયો પર ભાર : બ્રિજના ફાઉન્ડેશન નજીક ગેરકાયદે માઇનિંગ રોકવા અને પડતર કોર્ટ કેસોનો ઝડપી નિકાલ કરવા કડક સૂચનાઓ

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ અને વડપણ હેઠળ મહેસૂલ વિભાગ દ્વારા પ્રજાભિમુખ વહીવટ અને પ્રક્રિયાઓના સરળીકરણના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે રાજ્યના કલેક્ટરોની કલેક્ટર કોન્ફરન્સ યોજાઈ હતી. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રવિના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ કોન્ફરન્સમાં રાજ્યના અગત્યના પ્રજાલક્ષી મહેસૂલી પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી, જેમાં "જીવન પ્રથમ – લાઇફ મેટર્સ – કોઈ પણ માનવીય બેદરકારીના કારણે માનવ જિંદગી જોખમાય નહીં" તે મુખ્યમંત્રીની પ્રાથમિકતા રહી હતી.
મહેસૂલી કામગીરીમાં પારદર્શિતા અને ઝડપી નિકાલ પર ભાર
ડો. જયંતી રવિએ કુદરતી આપદા સમયે મહેસૂલી અધિકારીઓની ઝડપી કામગીરીની સરાહના કરી હતી અને મહેસૂલી તંત્ર દ્વારા સુચારુ સંકલન કરીને પ્રજાકીય પ્રશ્નો અને સમસ્યાઓ પ્રત્યે સંવેદના દાખવી, કેસો અંગે ઝડપથી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
મહેસૂલ વિભાગ અને ખાતાના વડાની કચેરીઓના નામદાર હાઈકોર્ટમાં પડતર કોર્ટ કેસોના સંદર્ભે પણ ગંભીર ચર્ચા થઈ. રાજ્યની કલેક્ટર કચેરીઓમાં પડતર ૨૯,૦૦૦ થી વધુ કેસો મળીને કુલ ૩૭,૦૦૦ જેટલા કેસોનો જિલ્લાવાર રીવ્યુ કરીને તેના ઝડપી નિકાલ માટે એક્શન પ્લાન બનાવીને કાર્યવાહી કરવા ડો. જયંતી રવિએ સૂચના આપી. તેમણે આ અંગે નામદાર હાઈકોર્ટના સિનિયર લૉ ઓફિસર્સ અને જિલ્લાઓના કાયદા અધિકારી સાથે બેઠક યોજીને વિસ્તૃત રોડ મેપ બનાવવા પણ નિર્દેશ આપ્યો.
ડો. રવિએ જિલ્લા તંત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને રી-સર્વેની કામગીરી, મહેસૂલી ઠરાવો અને પરિપત્રોની સમીક્ષા કરીને વિષયવાર એક સંકલિત ઠરાવ બનાવવાની તેમજ મેન્યુઅલ તૈયાર કરવાની કામગીરી કરવા સૂચન કર્યું. સંપાદનના પ્રશ્નો માટે એક ટાસ્ક ફોર્સ બનાવવાની કામગીરી, iORA માં દફતરે થતી અરજીઓ, RTLOC (Revenue Title and Land Occupancy Certificate) અંગેની કામગીરી કરવા પણ તેમણે ભાર મૂક્યો. મહેસૂલી તાલીમ સંસ્થા DISRA ને સુદ્રઢ કરીને મહેસૂલી કર્મીઓને સતત તાલીમ આપવા અને ઈ-ધરાનું ઓડિટ વગેરે કામગીરીનો પણ કોન્ફરન્સમાં રીવ્યુ કરવામાં આવ્યો.
પી.એમ. પોષણ યોજના હેઠળના સેન્ટ્રલાઇઝડ કિચન માટે જમીન ફાળવણી, રેડ ક્રોસ માટે જમીન ફાળવણી વગેરેની પણ સમીક્ષા કરવામાં આવી અને જમીન ફાળવણીની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના અપાઈ. ડો. જયંતી રવિએ જણાવ્યું કે ઈ-ગવર્નન્સના માધ્યમથી જિલ્લા કક્ષાના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે, પ્રજાલક્ષી નિર્ણયોની સરળતાથી અમલવારી થઈ શકે તેમજ મહેસૂલી કામગીરીમાં પારદર્શિતા આવે તે હેતુસર મહેસૂલ વિભાગ દ્વારા સમયાંતરે યોજાતી કલેક્ટર / નિવાસી અધિક કલેક્ટરની આવી વી.સી. કોન્ફરન્સ એક નિર્ણાયક અને મહત્વપૂર્ણ માધ્યમ બની રહી છે.
જાહેર સુરક્ષા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા સૂચનાઓ
કોન્ફરન્સમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ અવંતિકા સિંઘ, ડો. વિક્રાંત પાંડે અને અતુલ ગોર દ્વારા પણ કલેક્ટરોને જરૂરી સૂચનો કરવામાં આવ્યા. જેમાં રાજ્યના વિવિધ વિભાગો હસ્તકના મકાનો અને સરકારી ઇમારતો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સુવિધા જેવી કે રોડ, ડેમ, બ્રિજ, કેનાલ, બેરેજ, સરકારી હોસ્પિટલો, શાળાઓ, આંગણવાડીઓ વગેરેનું નિરીક્ષણ કરીને પબ્લિક સેફ્ટીની સુનિશ્ચિતતા કરવા અને રાજ્યમાં એક પણ જાનહાનિ થાય નહીં તે અંગે મુખ્યમંત્રીની સૂચના મુજબ અગ્ર સચિવ અવંતિકા સિંઘે કલેક્ટરોને ભારપૂર્વક સૂચના આપી.
અવંતિકા સિંઘે જણાવ્યું કે તલાટી સહિત તમામ મહેસૂલી અધિકારીઓના માધ્યમથી આ બાબતે જરૂરી તકેદારી રાખવી. રોપ-વે, બોટિંગ, મેળા વગેરે જેવી પ્રવૃત્તિઓ અંગે જરૂરી પ્રમાણપત્રો અને મંજૂરીઓની ચકાસણી કરવા અને જરૂરી સંકલન તથા સુપરવિઝન કરવા જિલ્લાના વડા તરીકે કલેક્ટરોને અનુરોધ કર્યો. ખાસ કરીને, બ્રિજના ફાઉન્ડેશન એરિયામાં ગેરકાયદે માઇનિંગ અટકાવવા કડકમાં કડક પગલાં લેવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
કોન્ફરન્સમાં iORA પોર્ટલ ઉપરની વિવિધ અરજીઓની પેન્ડન્સીનો રીવ્યુ કરીને તેનો સમયમર્યાદામાં નિકાલ, ખેડૂત ખરાઈના નિકાલ થયેલ કેસો, નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવેલ સર્વે નંબરના કેસો વગેરે અંગે થયેલ કામગીરી, iRCMS – રેવન્યુ કેસના પોર્ટલ ઉપર પડતર કેસો અને ઠરાવ પર લીધેલા કેસો વગેરેની ચર્ચા કરવામાં આવી. આ તમામ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા મહેસૂલી તપાસણી કમિશનર રાજેશ માંજુએ પણ સૂચના આપી.
જમીન સુધારણા કમિશનર ભાવિન પંડ્યાએ વિભાગીય કામગીરીનો રીવ્યુ કરીને પડતર વિજિલન્સ રેફરન્સીસ, એમ.એલ.એ. / એમ.પી. કેસો, પી.જી. પોર્ટલ કેસોની સમીક્ષા કરી આ કામગીરી અંગે ટાઈમ લાઈન નક્કી કરીને તેનો ઝડપથી નિકાલ કરવા સૂચના આપી. આ ઉપરાંત મહેસૂલી ભવનો, સરકારી જમીન ફાળવણી અને બજેટના કામોની પણ સમીક્ષા કરી કામગીરીમાં ઝડપ લાવવા જણાવ્યું.
નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવાના કેસોમાં પટની રકમ ભરવાની બાકી હોય તેવા કેસો, શરતભંગના કેસો, એરિયા ડેવલપમેન્ટ અને SEZ જેવી ઓથોરિટી બાબતે સ્પષ્ટતા કરીને આ અંગે કલેક્ટરોને માર્ગદર્શન આપવામાં આવ્યું. જીઓલોજી અને માઇનિંગ કમિશનર ધવલ પટેલ દ્વારા જાહેર હરાજીથી મિનરલ્સ બ્લોકની ફાળવણી બાદની કાર્યવાહી ઝડપી કરવા જરૂરી સહયોગ આપવા કલેક્ટરોને સૂચના આપવામાં આવી. આયોજન પ્રભાગ સચિવ આદ્રા અગ્રવાલ દ્વારા MPLADS હેઠળ સૂચવેલા કામોને ઝડપી મંજૂરીઓ આપવા અને મંજૂર થયેલા કામોમાં ઝડપ કરીને ચુકવણું કરવા માટે જરૂરી સૂચનાઓ કલેક્ટરોને આપવામાં આવી. રોડ સેફ્ટી કમિશનર સતીશ પટેલે પણ રોડ સેફ્ટી અંગે જરૂરી તકેદારી રાખવા કલેક્ટરોને સૂચનો કર્યા. વિકાસ કમિશનર કચેરી દ્વારા ગૌચર પરના દબાણો અંગે તેમજ જૂના ગામતળ દબાણો દૂર કરવા સંબંધે તેમજ નવા ગામતળ નીમ કરવાની ઝુંબેશ અંગેની કામગીરી અંગે કલેક્ટરોને સૂચના આપવામાં આવી.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
