News of Friday, 25th July 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં પંચાયત વિભાગનો ઐતિહાસિક નિર્ણય : આંતર જિલ્લા ફેરબદલીનો નવતર અભિગમ અપનાવાયો
પંચાયત સેવામાં ૨૨ સંવર્ગના વર્ગ-૩ના ૧૪૩૩ સીધી ભરતીના કર્મયોગીઓની પારદર્શી, ઓનલાઈન અને પેપરલેસ બદલીઓનો પ્રથમ રાઉન્ડ સફળતાપૂર્વક પૂર્ણ : કર્મચારી હિતકારી વહીવટનો નવો દાખલો બેસાડ્યો

(વિજય વસાણી દ્વારા), ગાંધીનગર : રાજ્ય સરકારના પંચાયત સેવા વર્ગ-૩ના સીધી ભરતીના કર્મયોગીઓની આંતર જિલ્લા ફેરબદલી માટે એક ક્રાંતિકારી અને નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શન હેઠળ, આ બદલી પ્રક્રિયાને સંપૂર્ણપણે ઓનલાઈન, ફેશલેસ અને પેપરલેસ બનાવીને વહીવટમાં પારદર્શિતા અને કાર્યદક્ષતા વધુ વેગમાન બનાવવામાં આવી છે. આ પદ્ધતિનો પ્રથમ રાઉન્ડ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે, જે રાજ્ય સરકારની કર્મચારી કલ્યાણની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
પંચાયત વિભાગ દ્વારા પારદર્શી ઓનલાઈન બદલી પ્રક્રિયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના વહીવટમાં પારદર્શિતા અને કાર્યદક્ષતાને વેગ આપવા માટે કર્મચારીઓની બદલીઓ ઓનલાઈન પદ્ધતિથી કરવા માટેનું વિઝન અપનાવ્યું હતું. પંચાયત વિભાગે આ વિઝનને સાકાર કરતા, વર્ગ-૩ના સીધી ભરતીના કર્મયોગીઓની સમગ્ર બદલી પ્રક્રિયાને ઓનલાઈન અને વેબ પોર્ટલના માધ્યમથી સંપૂર્ણ પારદર્શિતા સાથે હાથ ધરી છે. આનાથી બદલી પ્રક્રિયામાં માનવીય હસ્તક્ષેપ ઘટાડીને નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવામાં આવી છે.
આ ઓનલાઈન બદલી પ્રક્રિયામાં પંચાયત સેવાના ૨૨ જેટલા સંવર્ગના વર્ગ-૩ના કુલ ૧૪૩૩ સીધી ભરતીના કર્મયોગીઓની આંતર જિલ્લા ફેરબદલીના આદેશો પંચાયત વિભાગે કર્યા છે. આંતર જિલ્લા ફેરબદલીમાં યોગ્ય કર્મચારીઓને લાભ મળે અને સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય તેવા કર્મચારી હિતકારી અભિગમ સાથે સીધી ભરતીના આ વર્ગ-૩ ના પંચાયત સેવાના કર્મયોગીઓનો આંતર જિલ્લા ફેરબદલીનો આ પહેલો રાઉન્ડ પૂર્ણ કરવામાં આવ્યો છે.
આ પહેલથી કર્મચારીઓને બદલી માટે વિવિધ કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે, સમય અને શક્તિનો બચાવ થયો છે, અને એક સંતુલિત તથા ન્યાયી પ્રણાલી સ્થાપિત થઈ છે. આ નિર્ણયથી પંચાયત સેવામાં ફરજ બજાવતા હજારો કર્મચારીઓમાં સંતોષની લાગણી પ્રવર્તી રહી છે. ભવિષ્યમાં પણ રાજ્ય સરકાર અન્ય વિભાગોમાં આવી જ પારદર્શી ઓનલાઈન બદલી પ્રક્રિયા અપનાવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
