News of Friday, 25th July 2025
નવસારીમાં કામધેનુ સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ :DGVC ટીમ અને સોસાયટીના રહિશો વચ્ચે ઘર્ષણ
આ સોસાયટીમાં આ પાંચમી વખત છે, જ્યારે સ્માર્ટ મીટર લગાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે.

નવસારીઃ શહેરમાં સ્માર્ટ મીટરનો વિરોધ લાંબા સમયથી ચાલી રહ્યો છે. આજે ફરી એકવાર શાંતાદેવી વિસ્તારમાં આવેલી કામધેનુ સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવા આવેલી DGVC ટીમ અને સોસાયટીના રહિશો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ સોસાયટીમાં આ પાંચમી વખત છે, જ્યારે સ્માર્ટ મીટર લગાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે.
ભૂતકાળમાં પણ કામધેનુ સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવા આવેલા કર્મચારીઓને સોસાયટીના સભ્યોએ કામગીરી કરતા અટકાવ્યા હતા. આજે વીજ કંપનીના કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત સાથે સોસાયટીમાં આવ્યા હતા. પરંતુ સોસાયટીના રહીશોએ સ્માર્ટ મીટર લગાવવા દીધા નહીં.
તેમની માગ છે કે, જ્યારે અન્ય વિસ્તારોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે, ત્યારે જ તેઓ સોસાયટીમાં મીટર લગાવવા દેશે. સોસાયટીમાં રહેતા કાશ્મીરાબેન પટેલે જણાવ્યું કે, ‘વીજ કંપની અમારી સોસાયટીમાં જ કેમ સ્માર્ટ મીટર નાખવા માગે છે? અમે મિડલ ક્લાસ છીએ એટલે? આજે પોલીસ બંદોબસ્ત સાથે વીજ કંપનીના કર્મચારીઓ જબરદસ્તી મીટર નાંખવા આવ્યા છે. અમારે સ્માર્ટ મીટરની કોઈ જરૂર નથી. અહીં રોજ કમાઈને રોજ ખાનારા લોકો છે. સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવે છે. આ મીટર સરકાર માન્ય નથી. પહેલા આખા નવસારીમાં મીટર નાંખો, પછી અમારે ત્યાં આવો.’
સોસાયટીના અન્ય રહીશ ગણેશભાઈ કાનકાટે જણાવ્યું કે, ‘છેલ્લા પાંચ મહિનાથી અમારે ત્યાં મીટર નાંખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમે સ્માર્ટ મીટર નાખવા માંગતા નથી, તેવી અરજી DGVC ઓફિસે કરી છે, પણ કોઈ જવાબ મળ્યો નથી. શું અમે ગુંડા છીએ કે પોલીસની જરૂર પડે?’
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
