<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

વડોદરા મનપાનો આરોગ્ય વિભાગ એક્શન મોડમાં : હોટલ, રેસ્ટોરન્ટ, સ્કૂલ, કોલેજો અને દુકાનોમાં ચેકિંગ

પાલિકા સમગ્ર વર્ષ દરમિયાન આવી કામગીરી કરે તો આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો વહેલો ઉકેલ શક્ય બને.

વડોદરાઃ સામાન્ય રીતે વર્ષના મોટાભાગના સમયગાળા દરમિયાન નિંદ્રાધિન હાલતમાં રહેતી વડોદરા પાલિકાની આરોગ્ય શાખા હવે તહેવારોના આગમન સાથે જાગૃત બની છે. વર્ષના 365 દિવસોમાં માત્ર લગભગ 65 દિવસ જ સક્રિય દેખાતી આરોગ્ય શાખા હવે હોટલ, રેસ્ટોરન્ટ, સ્કૂલ, કોલેજો અને દુકાનોમાં ચેકિંગમાં વ્યસ્ત થઈ ગઈ છે.

તહેવારોમાં ખાદ્ય પદાર્થોની માગ વધે છે. ત્યારે લોકોની તંદુરસ્તી માટે જવાબદાર તંત્ર હવે સફાઈ, ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને લાયસન્સ જેવી બાબતોનું નિરીક્ષણ કરી રહ્યું છે. જો પાલિકા સમગ્ર વર્ષ દરમિયાન આવી કામગીરી કરે તો આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો વહેલો ઉકેલ શક્ય બને.

નાગરિકોનું કહેવું છે કે, પાલિકા તંત્ર તહેવારો સમયે માત્ર દેખાવ માટે ચેકિંગ કરે છે. નમૂના તો લઈ જાય છે, પણ તેના લેબોરેટરી રિપોર્ટ સમયસર આવતા નથી. પરિણામે લોકોએ મીઠાઈ, ફરસાણ વગેરે આરોગી ચૂક્યા હોય છે, પછી નમૂનાનું પરિણામ આવે છે. લોકો માગ કરે છે કે તપાસ પ્રક્રિયા ઝડપી થાય અને જરૂર પડે ત્યાં તાત્કાલિક કાર્યવાહી થાય. જેથી ખોટા પદાર્થોથી જનતાનું આરોગ્ય સુરક્ષિત રહી શકે.

આજથી શરૂ થયેલા શ્રાવણ માસના પગલે પાલિકા આરોગ્ય વિભાગની ચાર ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરાળી ખાદ્યપદાર્થોની તપાસ શરૂ કરી છે. કેટલાક નમૂનાઓ લેવામાં આવ્યા છે, જે ફતેગંજ ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. પરંતુ પરિણામ 14 દિવસ પછી આવશે એટલે અડધો શ્રાવણ માસ વીતી જશે. નાગરિકો મિલાવટયુક્ત ખોરાક આરોગી ચૂક્યા હશે. ત્યારે પરિણામના આધાર પર કાર્યવાહી કરવાનો કોઈ અર્થ રહેતો નથી.

(8:50 PM IST)