<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

હોસ્પિટલના ઈન્ટર્ન ડોક્ટરો જ ડેન્ગ્યૂના મચ્છરોનો શિકાર થતા હવે દર્દીઓ પણ મૂંઝવણમાં મુકાયા

ધન્વંતરિ હોસ્ટેલમાં રહેતા 125થી વધુ ઇન્ટર્ન તબીબોને મચ્છરદાનીમાં રહેવું પડે છે : એસએસજી હોસ્પિટલમાં બાંધકામ ચાલતું હોઈ ત્યાં પાણી ભરાય છે. જેથી મચ્છરોનો ઉપદ્રવ થાય છે અને તબીબોને મચ્છર કરડે છે

અમદાવાદ :રાજ્યમાં હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાની ઋતુમાં ઠેર ઠેર વરસાદી પાણીના ખાબોચીયા ભરાઈ રહેતા તેમાં મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે. જ્યાં લોકો પોતાના દર્દની સારવાર માટે જતા હોય છે તે હોસ્પિટલ જ મચ્છરોનું ઘર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. તેમજ હોસ્પિટલના ઈન્ટર્ન ડોક્ટરો જ ડેન્ગ્યૂના મચ્છરોનો શિકાર થતા હવે દર્દીઓ પણ વિમાસણમાં મુકાઈ જવા પામ્યા છે કે દર્દની સારવાર માટે ક્યાં જવું. 

    વડોદરા શહેરમાં હાલ બેવડી ઋતુનો પ્રભાવ જોવા મળ્યો છે, જેના પગલે મચ્છરજન્ય તેમજ વાયરસજન્ય રોગચાળામાં નોંધપાત્ર વધારો થયો છે. શહેરની મોટા ભાગની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધતા તંત્ર માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. વિશેષ કરીને એસએસજી હોસ્પિટલમાં તબીબો અને ઇન્ટર્ન્સ પણ ડેન્ગ્યૂ જેવી બીમારીઓથી પીડાઈ રહ્યા છે. છેલ્લા એક મહિનામાં પાંચથી વધુ રેસિડન્ટ તબીબો અને દસથી વધુ ઇન્ટર્ન ડેન્ગ્યૂની ઝપેટમાં આવ્યા છે. સ્થિતિ એટલી ગંભીર છે કે ધન્વંતરિ હોસ્ટેલમાં રહેતા 125થી વધુ ઇન્ટર્ન તબીબોને મચ્છરદાનીમાં રહીને જીવ બચાવવો પડી રહ્યો છે. વાંચવા, ઉંઘવા કે આરામ કરવા દરમિયાન પણ મચ્છરદાનીનો ઉપયોગ ફરજીયાત બની ગયો છે. 

  સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હોસ્પિટલમાં મચ્છર નિયંત્રણની વ્યવસ્થા પૂરતી નથી. જેના કારણે તબીબો સહિત દર્દીઓમાં પણ મચ્છરજન્ય રોગચાળાની શક્યતા વધી રહી છે. આ સ્થિતિને લઈને તબીબોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

   આ બાબતે SSG હોસ્પિટલના પીઆઈયુ મહેશ દવેએ જણાવ્યું હતું કે, SSG હોસ્પિટલમાં બાંધકામ સાઈટ ચાલે છે. તેમજ ત્યાં નિયમિત સાફ સફાઈ તેમજ ફોંગિગ દવાનો પણ છંટકાવ કરવામાં આવે છે. તેમજ તમામ ફોટા આરોગ્ય વિભાગને મોકલવામાં આવે છે. જ્યાં પાણીનો ભરાવો થતો હશે ત્યાં તપાસ કરાવવામાં આવશે. 

  ધન્વંતરિ હોસ્ટેલના ડૉ. રાહુલ પરમારે જણાવ્યું હતું કે, એસએસજી હોસ્પિટલમાં બાંધકામ ચાલતું હોઈ ત્યાં પાણી ભરાય છે. જેથી મચ્છરોનો ઉપદ્રવ થાય છે અને તબીબોને મચ્છર કરડે છે. ડેન્ગ્યૂના મચ્છરો સવારે જ કરડે છે અને સવારે તબીબો હોસ્પિટલમાં હોય છે. તેમજ હોસ્ટેલમાં ફોગિંગ પણ કરાવવામા આવે છે.

 

 

(6:38 PM IST)