<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th July 2025

ગુજરાતમાં શ્રાવણ મહિનાની શરૂઆતની સાથે જ વરસાદના વધુ એક રાઉન્ડની શરૂઆત : ગુજરાત ઉપર એક સાથે ચાર વરસાદી સિસ્ટમ્સ સક્રિય : ક્યાંક મધ્યમ તો ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ હવે ડિપ્રેશન બની ગઈ : છત્તીસગઢ અને ઝારખંડના ભાગોમાં સિસ્ટમ્સ છે જે ગુજરાતથી અંદાજે 750 કિમી દૂર છે જે થોડા કલાકોમાં પૂર્વ મધ્યપ્રદેશ સુધી પહોંચી શકે છે જોકે મધ્યપ્રદેશ પહોંચશે ત્યાં સુધીમાં તે વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ તેવી હવામાન વિભાગની આગાહી

અમદાવાદ તા.૨૭ :  ગુજરાતમાં શ્રાવણ મહિનાની શરૂઆતની સાથે જ વરસાદના વધુ એક રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતમાં આગામી સાત દિવસ ક્યાંક મધ્યમ તો ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ હવે ડિપ્રેશન બની ગઈ છે. આ સિસ્ટમ હાલ ગુજરાતની દિશામાં આગળ વધી રહી છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, આ સિસ્ટમ છત્તીસગઢ અને ઝારખંડના ભાગોમાં છે. ગુજરાતથી અંદાજે 750 કિમી દૂર છે. જે થોડા કલાકોમાં પૂર્વ મધ્યપ્રદેશ સુધી પહોંચી શકે છે. જોકે, મધ્યપ્રદેશ પહોંચશે ત્યાં સુધીમાં તે વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે. ત્યારે જોઈએ કે, આજે ગુજરાતમાં ક્યાં ક્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે, આજે રવિવારે 27મી જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની સાથે છૂટાછવાયા સ્થળો પર અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે. તો રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. આ તમામ જગ્યા ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

વેધર મેપ પ્રમાણે, 28મી જુલાઈના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

વિવિધ વેધર મોડલના અનુમાન પ્રમાણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે બે દિવસ અતિભારે છે. ECMWF વેધર મોડલના અનુમાન પ્રમાણે 28 જુલાઈ સુધીમાં તમામ વિસ્તારમાં 3થી લઈને 12-12 ઈંચ સુધી વરસાદ ખાબકી શકે છે.

બીજી તરફ ICON વેધર મોડલ પણ આ તમામ જિલ્લામાં 28 જુલાઈ સુધીમાં 3થી લઈને 12 ઈંચ સુધી વરસાદની સંભાવના દર્શાવી રહ્યું છે. જોકે, GFS વેધર મોડલમાં દર્શાવ્યા પ્રમાણે આ સિસ્ટમની અસર ગુજરાત પર થશે. પરંતુ વધારે અસર ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં થશે. જ્યાં 28 જુલાઈ સુધીમાં 5 ઈંચ સુધી વરસાદ સંભવ છે

(12:26 PM IST)