તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th July 2025
વડતાલ-ગોકુલધામ નારના સંતો દ્વારા સુરતમાં દિવ્યાંગ સેવા યજ્ઞ : “સુરત આપે સહારો, દિવ્યાંગોને મળે આરો!” સૂત્ર સાથે ‘હાઈટેક કૃત્રિમ અંગ વિતરણ કેમ્પ’ સંપન્ન
સુરત જિલ્લાના ૬ તાલુકાઓમાં કેમ્પ યોજી ૩૯૩ દિવ્યાંગોને કૃત્રિમ અંગોનું વિતરણ કરાયું : શિક્ષાપત્રી લેખનના ૨૦૦ વર્ષ અને આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે અનોખું યોગદાન : ALIMCO અને નિષ્ણાત ટીમના સહયોગથી આયોજન

સુરત : વડતાલ-ગોકુલધામ નારના સંતો દ્વારા સુરત જિલ્લાના દિવ્યાંગોની સેવા માટે એક વિશાળ ‘હાઈટેક કૃત્રિમ અંગ વિતરણ કેમ્પ’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. “સુરત આપે સહારો, દિવ્યાંગોને મળે આરો!” ના સૂત્ર સાથે આ સેવાયજ્ઞનું આયોજન સ્વામિનારાયણ ગોકુલધામ, નાર દ્વારા કરવામાં આવ્યું હતું, જે ‘સંવેદનાથી સેવા સુધી’ ના તેમના દિવ્યાંગ ક્ષેત્રે અનોખા યોગદાનને દર્શાવે છે. આ કેમ્પ દ્વારા સમગ્ર સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આયોજન કરીને કુલ ૩૯૩ દિવ્યાંગ વ્યક્તિઓને કૃત્રિમ અંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અને આચાર્યપદ સ્થાપન નિમિત્તે નિઃશુલ્ક સેવા: કલેક્ટર ડો. સૌરભ પારધી અને પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ
આ સેવાયજ્ઞનું આયોજન સ્વામિનારાયણ ભગવાન દ્વારા રચિત શિક્ષાપત્રી લેખનને ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસર અને આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપલક્ષ્યમાં સુરત જિલ્લાના દિવ્યાંગો માટે નિઃશુલ્ક હાઈ-ટેક કૃત્રિમ હાથ-પગ વિતરણ કેમ્પ તરીકે કરવામાં આવ્યું હતું.
આ સેવાયજ્ઞનો મુખ્ય હેતુ દિવ્યાંગ ભાઈ-બહેનોને આધુનિક ટેકનોલોજીવાળા કૃત્રિમ અંગો ઉપલબ્ધ કરાવી જીવન જીવવા માટે નવી આશા, આત્મવિશ્વાસ અને સહારો પૂરો પાડવાનો હતો. તારીખ ૨૨/૭/૨૫ થી ૨૭/૭/૨૫ એમ કુલ સપ્તાહ દરમિયાન સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓ જેવા કે બારડોલી, મહુવા, માંગરોળ, ઉમરપાડા, માંડવી અને સુરત સિટીમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
આશીર્વાદ સભા અને મહાનુભાવોની ઉપસ્થિતિ:
આ તમામ દિવ્યાંગોને આશીર્વાદ આપવા માટે રવિવારના દિવસે સ્વામિનારાયણ મિશન, સુરત ખાતે આશીર્વાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજનીય સંતો, સમાજના અગ્રણીઓ અને રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કેમ્પનું આયોજન ગોકુલધામ નારના સ્વપ્નદ્રષ્ટા પૂજ્ય શુકદેવપ્રસાદદાસજી સ્વામી અને પૂજ્ય હરિકેશવદાસજી સ્વામી તથા દાતાઓના સહયોગથી ALIMCO જેવી વિશ્વવિખ્યાત કંપનીના હાઈ-ટેક પ્રોસ્થેટિક લીમ્બ્સ અને નિષ્ણાતોની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પની સમગ્ર વ્યવસ્થા વડતાલધામના ચેરમેન ડો. સંતવલ્લભદાસજી સ્વામી, સદગુરૂ સ્વામી નીલકંઠચરણદાસજી, કલાકુંજ તથા કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી અને સદગુરૂ ધર્મવલ્લભ સ્વામી, વેડરોડ ગુરુકુળ વગેરે સંતોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી.
તારીખ ૨૭ જુલાઈ, રવિવારના રોજ યોજાયેલી દિવ્યાંગ આશીર્વાદ સભામાં પૂજ્ય ધર્મધુરંધર ૧૦૦૮ વડતાલ દેશના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ ઓનલાઈન ઉપસ્થિત રહ્યા હતા. વંદનીય સંતો, સરકારી વહીવટી તંત્રના અધિકારીઓ, રાજકીય મહાનુભાવો અને સુરત શહેરના સમાજશ્રેષ્ઠીઓ પણ હાજર રહ્યા હતા. જેમાં વિશેષ ઉપસ્થિતિ સુરત કલેક્ટર ડો. સૌરભ પારધી અને સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતની હતી. શિક્ષાપત્રીના સંદેશ ‘સર્વજીવ હિત’ ને ધ્યાનમાં રાખીને આ સેવાયજ્ઞને દિવ્યાંગ જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
(5:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
